Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેશના પૂર્વ અટોર્ની જનરલ અને સુપ્રિમ કોર્ટના વરિષ્‍ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ ચાઇનીઝ એપ ટિકટોકનો કેસ લડવાની ના પાડી દીધી

નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ ચાઈનીઝ એપ ટિકટોકનો ભારત સરકાર વિરુદ્ધ કેસ લડવાની ના પાડી દીધી છે. ટિકટોક પર લાગેલા કેન્દ્ર સરકારના પ્રતિબંધ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે ટિકટોકે એડવોકેટ મુકુલ રોહતગીનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ પોતે આ અંગે જાણકારી આપી. ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકોની શહાદતને ધ્યાનમાં રાખીને ચીનની ચીજો તથા બિઝનેસ ડીલના બહિષ્કારની ભારતીય જનતાની માગણીને જોતા એડવોકેટ રોહતગીએ આ પગલું ભર્યુ છે.

અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. Ministry of Information Technology એ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સેક્શન 69એ હેઠળ આ 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયે એક નોટિસ બહાર પાડીને આ એપ્સને ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા તથા સાર્વજનિક વ્યવસ્થા સામે જોખમ ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો.

ચીની એપ્સ પર ભારતીયોના ડેટા ચોરી કરવાનો અને તેને ચીની સર્વર પર મોકલવાનો આરોપ પહેલા પણ લાગતો રહ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને અનેક સ્ત્રોતો પાસેથી ફરિયાદો મળી છે. જેમાં કહેવાયું છે કે એન્ડ્રોઈડ અને iOS પર ઉપલબ્ધ આ ચીની એપ્સ યૂઝર્સની જાણકારી બહાર તેમનો ડેટા ચોરી કરીને મિસયૂઝ કરે છે. આ સાથે જ યૂઝર્સનો ડેટા ગેરકાયદેસર રીતે ભારત બહારના સર્વરો પર મોકલે છે.

મંત્રાલયનું કહેવું છે કે 130 કરોડ ભારતીયોના ડેટા પર જે જોખમ તોળાઈ રહ્યું હતું તે ગંભીર ચિંતાનો વિષય છે. નોટિસમાં જણાવાયું છે કે ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર અને ગૃહ મંત્રાલયે આ એપ્સને બેન કરવાની ભલામણ મોકલી છે. આ ઉપરાંત દેશના નાગરિકો અને જન પ્રતિનિધિ તરફથી પણ ફરિયાદો મળી છે.

(5:13 pm IST)