Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પાકિસ્તાને શરૂ કરી ચીનની 'ચમચાગીરી' LOC પર ગોઠવ્યા ૨૦,૦૦૦ સૈનિકો

LAC - LOC - J&Kમાં તબાહી માટે જુગલબંધી : ચીન - પાકિસ્તાન અલ-બદરે હાથ મિલાવ્યા : પાકિસ્તાન - ચીનના નાપાક ઇરાદા : જમ્મુ - કાશ્મીરમાં ફેલાવવી છે અશાંતિ

નવી દિલ્હી તા. ૧ : લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાએ નોર્થ-લદ્દાખમાં પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની આર્મી આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી રહી છે. ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોનાં ૨ ડિવિઝનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં તૈનાત કર્યા છે.

ભારતની સામે દુશ્મની રાખી રહેલા ચીનની સીધી જ મદદ કરવા માટે અથવા તો આડકતરી રીતે ચીનને વ્યૂહાત્મક સહાયતા પહોંચાડવા માટે પાકિસ્તાન દ્વારા નાલાયકી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના શાસકોએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ગિલગિટ બાલ્ટિસ્તાન એલ.ઓ.સી પર પાકિસ્તાનના ૨૦ હજાર જેટલા સૈનિકો ને ખડકી દેવામાં આવ્યા છે. ચીન અને પાકિસ્તાનની આ જુગલબંધી ભારતની સામે નવા પડકારો ફેંકવા માંગે છે અને તેના ભાગરૂપે જ નવા નવા પેતરા કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાને ઉતરીય લડાક નજીક ચાઈનીઝ સૈનિકોના ખડકલા સાથે ખભેખભા મિલાવી શકે તે રીતે ગીલગીટ અને બાલ્ટીસ્તાનમાં ૨૦ હજારથી વધુ સૈનિકોને ઉતાર્યા છે. અને યુધ્ધ સિવાયના સમયમાં આ પ્રકારે પ્રથમ વખત બની રહ્યું છે કે અંકુશ રેખા પર પાકિસ્તાને સૈનિકોનો મોટો ખડકલો કર્યો હોય. ચીન સાથેની એકચ્યુલ લાઈન ઓફ કંટ્રોલ અને પાકિસ્તાન સાથેની અંકુશ રેખા બંને આમ એક સાથે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે અને જો ચીન સાથે યુધ્ધ થાય તો પાકિસ્તાન પણ ભારત સાથે યુધ્ધમાં જોડાશે તેવા સંકેત મળવા લાગ્યા છે.

પાકિસ્તાનની અધિકારીઓનાં સહયોગથી આ સંગઠનના ત્રાસવાદીઓને શસ્ત્ર અને તાલીમ આપીને કાશ્મીરમાં ફરી તેઓ સક્રિય બને તે વ્યૂહ ગોઠવ્યો હોવાનું માનવામાં આવે છે. ભારતીય દળોએ હવે આ સાથે ચીન અને પાકિસ્તાન બંનેની સરહદોના એરબેઝને પણ સાબદા કરી દીધા છે. પાકિસ્તાનના સ્કાદુ વિમાની મથક પર ચીનના વિમાનોની અવરજવર એ પણ અગાઉ ચિંતાનો વિષય બન્યો છે. અને આમ ભારત માટે આ સરહદ વધુ ગંભીર બની છે.

પાકિસ્તાને તેના ૨૦ હજારથી વધુ જવાનોને નોર્થ-લદ્દાખમાં ગોઠવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન બે મોરચે લડાઇની તક જોઇ રહ્યું છે. બીજી તરફ ચીની આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ ચીન સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા અને બેટ ઓપરેશનને અંજામ આપવાનો પ્લાન બનાવી રહી છે.

(3:54 pm IST)