Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમારી સફળતાથી વિરોધીઓને મરચા લાગ્યા

કોરોનિલ વિવાદ પર રામદેવ ભડકયા : આતંકવાદીઓ અને દેશદ્રોહીની જેમ અમારી સામે એફઆઇઆર દાખલ કરાવી : બાબા રામદેવ

નવી દિલ્હી તા. ૧ : યોગગુરૂ બાબા રામદેવે આજે મીડિયા સામે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરૂદ્ઘ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે. કેટલાક લોકોએ મારી જાત અને ધર્મને લઈને કોઈ દેશદ્રોહી આતંકી વિરુદ્ઘ થાય છે તેમ ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ કરી. મારા વિરુદ્ઘ દેશભરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી. આ માનસિકતા આપણને કયાં લઈ જશે.

તેમણે કહ્યું કે અમે કોરોનાની દવા પર સારી પહેલ કરી છે. પરંતુ લોકો અમને ગાળો આપે છે. આયર્વેદમાં ડ્રગ લાઈસન્સ કોઈ પણ ઔષધિના પરંપરાગત ગુણોના આધારે મળે છે. અમે મોર્ડન સાયન્સના પ્રોટોકોલ હેઠળ રિસર્ચ કર્યું છે. અમારા રિસર્ચથી ડ્રગ માફિયાઓના મૂળિયા હલી ગયા. તેમને લાગે છે કે કોટ ટાઈ પહેરેલા લોકો રિસર્ચ કરતા રહ્યાં અને ભગવાધારી લંગોટવાળાએ કેવી રીતે રિસર્ચ કરી લીધુ. હું પૂછું છું કે શું એ લોકોએ રિસર્ચનો ઠેકો લઈ રાખ્યો છે.

રામદેવે કહ્યું કે 'અમે આખી ટ્રાયલમાં જોયું કે સૌથી મોટું જોખમ ત્યારે હોય છે જયારે કોરોના શરીરમાં ફેફસામાં ઘર બનાવી લે છે અને વાયરસ શરીરમાં લાખો કોપી તૈયાર કરી લે છે. અમે જોયું કે દવાથી ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. સમગ્ર સાયન્ટિફિક ડોકયુમેન્ટેશન છે. જે પ્રોટોકોલ્સ નક્કી કર્યા છે તે મુજબ અમે રિસર્ચ કર્યું છે.'

તેમણે વધુમાં કહ્યું કે 'હાલ કોરોના ઉપર કિલનિકલ ટ્રાયલ થઈ છે. એ જ રીતે ૧૦થી વધુ બીમારીના ૩ લેવલના ટ્રાયલ અમે પાર કરી ચૂકયા છીએ. અમારી પાસે ૫૦૦ વૈજ્ઞાનિકોની ટીમ છે. એક કોરોના ટ્રાયલનું રિઝલ્ટ શું રજૂ કર્યું કે તોફાન આવી ગયું. આ ટાઈ પહેરનારા લોકો માનવા તૈયાર નથી કે લંગોટ પહેરનારો આ કેવી રીતે કરી શકે? તેમના જ રિસર્ચ પેરામીટર્સ મુજબ અમે આ કાર્ય આગળ વધાર્યું છે અને આગળ વધારવાનું છે.'

(3:53 pm IST)