Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આજથી મ્યુચ્યલફંડમાં રોકાણ કરવાનું મોંઘુ

કરેલ રોકાણના ૦.૦૦પ ટકા સ્ટેમ્પ ડયુટી લાગશે

નવી દિલ્હી તા. ૧: પહેલી જુલાઇ ર૦ર૦ થી મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવું મોંઘુ બનશે. રોકાણકારોએ હવે ફંડના યુનિટ ખરીદવા માટે સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડશે સાથે જ તેને ટ્રાન્સફર કરવા પર પણ સ્ટેમ્પ ડયુટી લાગશે. ડયુટીની ગણત્રી કુલ રોકાણ પર કરાશે.

આ ડયુટી, ડેટ અને ઇકવીટી બન્ને પ્રકારના ફંડો પર સમાન રૂપે લાગુ થશે. એટલું જ નહીં રોકાણકાર જો મ્યુચ્યલ ફંડના સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી), સીસ્ટેમેટીક પુનર્રોકાણ કરે તો તેણે સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડશે. મ્યુચ્યુલ ફંડમાં કરેલ કુલ રોકાણના ૦.૦૦પ ટકા સ્ટેમ્પ ચૂકવવી પડશે જયારે ટ્રાન્સફર ડયુટી વધારે લાગશે. ફંડને ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પર ૦.૦૧પ ટકા ડયુટી ચૂકવવી પડશે. એટલે કે ૧ લાખના રોકાણ પર પ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને એટલું જ ફંડ ટ્રાન્સફર કરવા માટે ૧પ રૂપિયા ડયુટી ચૂકવવી પડશે. પહેલા મ્યુચ્યુલ ફંડ પર સ્ટેમ્પ ડયુટી આ વર્ષે જાન્યુઆરીથી જ લાગવાની હતી પણ તેને ટાળીને એપ્રિલ કરવામાં આવી અને પછી લંબાવીને ૩૦ જૂન કરી દેવાઇ હતી.

મ્યુચ્યલ ફંડ યુનિટોના વેચાણ પર સ્ટેમ્પ ડયુટી નહીં લાગે. આઇીસીઆઇસીઆઇ પ્રુડેન્શીયલ અનુસાર, નવો નિયમ એક પ્રકારે એન્ટ્રી લોડ જેવો હશે. સેબીએ આ નિયમ ર૦૦૯માં જ ખતમ કરી નાખ્યો હતો, જેથી મ્યુચ્યલ ફંડ રોકાણને પ્રોત્સાહન આપી શકાય. જો સ્ટેમ્પ ડયુટીના રૂપમાં ફરીથી આ બોજ લાદવામાં આવશે તો તેની સીધી અસર રોકાણકારો પર થશે. સ્ટેમ્પ ડયુટીની સૌથી વધુ અસર ડેટ ફંડો પર થશે, જે સામાન્ય રીતે નાની મુદતના હોય છે. જે રોકાણકારો ૩૦ દિવસ અથવા તેનાથી ઓછા સમય માટે રૂપિયા રોકે છે તેમના રિટર્ન પર તેની મોટી અસર જોવા મળશે. એક અઠવાડીયા અથવા થોડા દિવસ માટે રોકાણ કરાતા લીકવીડ ફંડો પર જો અત્યાર સુધી ૩.પ ટકાનું રીટર્ન મળતું હતું તો હવે તે ઘટીને ૩.ર૪ ટકા થઇ જશે.

(11:22 am IST)