Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ચીન ઉપર મારો ગુસ્સો સતત વધી રહ્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

જેમ જેમ વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે તેમ તેમ ચીન પ્રત્યે મારો ગુસ્સો પણ વધતો જાય છેઃ ટ્રમ્પે મહામારી માટે ચીનને દોષિત ઠેરવ્યું

વોશિંગ્ટન, તા. ૧ :. અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધવાને કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પ્રત્યેનો ગુસ્સો વધતો જાય છે. અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે મહામારી પર તેઓ સંપૂર્ણ રીતે નિયંત્રણ લાવવાની સ્થિતિમાં નથી.

 

ટ્રમ્પે ગઈકાલે ટ્વીટ કર્યુ હતુ કે જેમ જેમ હું સમગ્ર વિશ્વમાં મહામારીનું ભયાનક સ્વરૂપ ફેલાતુ જોઈ રહ્યો છું કે જેમા અમેરિકાની ક્ષતિ પણ સામેલ છે તેમ તેમ ચીન પ્રત્યે મારો ગુસ્સો વધતો જાય છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારી માટે ટ્રમ્પ ચીનને દોષિત ઠેરવી રહ્યુ છે. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોર વચ્ચે કોરોના વાયરસની મહામારીએ ટેન્શન વધારી દીધુ છે.

અમેરિકામાં કોરોનાનો ઉપાડો વધતો જાય છે. બિમારીઓના નિષ્ણાંત ડો. એન્થની ફાઉચીએ જણાવ્યુ છે કે મામલો ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે અને સ્પષ્ટ રીતે આપણે તેના ઉપર નિયંત્રણ લાવવાની સ્થિતિમાં નથી.

તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર અને લોકો મહામારીને રોકવા માટે જરૂરી પગલા લેવામાં નિષ્ફળ જશે તો અમેરિકામાં રોજ ૧ લાખ કેસ સામે આવી શકે છે.

ચીન ટ્રમ્પ પર મહામારી મામલે રાજનીતિ ખેલવાનો આરોપ મુકી રહ્યુ છે. ચીનનું કહેવુ છે કે અમેરિકા સ્થિતિ સંભાળી નથી શકતુ તેથી ધ્યાન ભટકાવવા માટે આરોપો મુકે છે. અમેરિકી અધિકારીઓએ ચીન પાસે પારદર્શિતા રાખવાની અપીલ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ચીન સાથે તમામ સંબંધો તોડવાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યુ હતુ કે આવુ કરવાથી અમેરિકાને ફાયદો થશે.

(10:51 am IST)