Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ચીનને પડશે થપ્પડઃ વિવિધ પ્રોડકટની આયાત પર આવશે અંકુશ

સરકાર ડઝનબંધ ચીની પ્રોડકટની આયાત માટે લાયસન્સ અનિવાર્ય કરવાની તૈયારીમાં: ચીનથી આવતા એસી, પામતેલ, ટીવી સહિત ડઝનબંધ ચીજોની આયાત પર કડક વલણ અપનાવવા તૈયારી : સરકાર આયાત ઉપર અંકુશ લગાવી ઘરઆંગણાની કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગે છેઃ ચીન પર નિર્ભરતા સમાપ્ત કરવા તરફ સરકારનું વલણ

નવી દિલ્હી, તા. ૧ :. ચીન સાથેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ ભારત સરકાર ડઝનબંધ ચીની પ્રોડકટની આયાત માટે લાયસન્સ જરૂરી કરવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનથી આયાત એસી, પામતેલ, ટીવી સેટ સહિત લગભગ ડઝનબંધ ચીની પ્રોડકટની આયાત પર કડક વલણ અપનાવવા સરકાર તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર એસી અને તેની સાથે જોડાયેલી પ્રોડકટને અટકાવી ઘરઆંગણે મેન્યુફેકચરીંગ કંપનીઓ માટે બજાર ઉભુ કરવા માંગે છે. આ માટે સરકાર અનેક પ્રકારની તૈયારી કરી રહી છે. જેમા ડયુટીમાં વધારો, ટેકનિકલ માપદંડમાં વૃદ્ધિ અને કોઈ ખાસ બંદર પરથી ખાસ વસ્તુઓના પ્રવેશની પરવાનગી પણ સામેલ છે.

આની સાથોસાથ સરકાર કેટલાક ખાસ દેશોમાંથી આયાત પર પ્રતિબંધ લગાવવા માટે લાયસન્સની જરૂરીયાતની જોગવાઈ કરવા જઈ રહી છે. એટલે કે ચીન સહિત કેટલાક દેશોમાંથી એસી, ટીવી, ઈલેકટ્રોનીક સામાન વગેરેની આયાત માટે નિકાસકાર પાસે ભારત સરકાર પાસેથી મળેલ લાયસન્સ જરૂરી બનશે. આવુ નહિ હોય તો તે ભારતમાં માલ મોકલી નહી શકે. આ જ પ્રકારે ખાસ પોર્ટના માધ્યમથી પ્રવેશ માટે પણ જોગવાઈ કરાશે.

સરકારની યોજના ચીની સામાન પર નિર્ભરતા સમાપ્ત કરી આત્મનિર્ભર બનવા માટે ઘરઆંગણાની કંપનીઓને પ્રોત્સાહન આપવાની છે.

સ્ટીલ, એલ્યુમિનીયમ, ફુટવેર અને એસી એવી વસ્તુઓની યાદીમાં સામેલ છે જેને ઘરઆંગણે પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. આ સાથે લીથીયમ આયન બેટરી, એન્ટીબાયોટીકસ, પેટ્રોકેમીકલ્સ, ઓટો અને મોબાઈલ પાર્ટસ, રમકડા સહિત અન્ય એક ડઝન વસ્તુઓના નિર્માતાઓને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે. આ સિવાય રમતગમતના સામાન, ટીવી સેટ, સૌર્ય ઉપકરણ અને ઈલેકટ્રોનીક સર્કિટ વગેરેના ઉત્પાદનને પણ પ્રોત્સાહન અપાશે.

વિદેશ વેપાર મંત્રાલયે આવા સામાનોની એક યાદી બનાવવા જણાવ્યુ છે કે જેના માટે લાયસન્સ જરૂરી બનશે. ઉદ્યોગજગતના નિષ્ણાંતોનું પણ કહેવુ છે કે ચીનથી આયાત રોકવાને લઈને સરકારે સાહસિક ફેંસલો લેવો પડશે પછી ભલે થોડા દિવસો માટે આપણે મોંઘા સામાન ખરીદવા પડે. બધા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓને ટ્રાયલ ઓર્ડર આપવાની શરૂઆત કરવી જોઈએ અને તેમા ઘટ કે વિલંબ પર ભારતીય કંપનીઓ પર દંડની શરત ન હોવી જોઈએ. આ પ્રકારના ફેંસલાથી ભારતીય કંપનીઓને ટેલીકોમ ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરવામાં મદદ મળશે.

(10:49 am IST)