Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેશમાં ૧૯૬.૨ મીમી વરસાદ પડયો

જુનમાં વરસાદે તોડયો ૧૨ વર્ષનો વિક્રમ

ખરીફ પાકની વાવણી માટે શ્રેષ્ઠ વરસાદ પડયો

નવી દિલ્હી, તા.૧: આ વખતે સમયસર ચોમાસું બેસી જતા અને ખૂબ જ ઝડપથી તે આગળ વધતાં છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં આ વર્ષે જૂન મહિનો સૌથી સારો રહ્યો હતો. એક તરફ જયાં ચારેય પ્રદેશોમાં વધારે વરસાદ નોંધાયો તો બીજી તરફ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

ખરીફ સીઝનની વાવણીના પ્રારંભિક આંકડા અત્યારસુધીમાં સારો વરસાદ પડ્યો હોવાનું દર્શાવે છે. ૩૧૫.૬ લાખ હેકટરમાં પહેલાથી જ ખેતી થઈ રહી છે, જે કૃષિ મંત્રાલયના ૨૬ જૂનના આંકડા પ્રમાણે અઠવાડિયા માટે સામાન્ય કરતાં ૬૮ ટકા વધારે છે. ચોખાની ખેતી ૭.૭ લાખ હેકટર વિસ્તારમાં થઈ હતી જે સામાન્ય કરતાં વધારે હતી. જયારે કઠોળ, તેલીબિયા અને કપાસમાં પણ નોંધપાત્ર રીતે વધુ વાવણી નોંધાઈ હતી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂન મહિના દરમિયાન ભારતમાં ૧૯૬.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ ૨૦૦૮ પછીનો સૌથી વધુ વરસાદ હતો, તે વખતે જૂનમાં ૨૦૨ મીમી વરસાદ પડ્યો હતો. જૂનનો સામાન્ય વરસાદ હાલમાં ૧૬૬.૯ મીમી જેટલો છે. ચોમાસાના ચાર મહિનામાં જૂન પ્રથમ મહિનો છે અને આ મહિના દરમિયાન પડેલો વરસાદ દેશમાં ખરીફ પાકની વાવણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ વર્ષે જૂન મહિનામાં પડેલો વરસાદ પાછલા વર્ષના જૂનની સરખામણીમાં અલગ હતો, જે ૩૩ ટકા ઓછા વરસાદ સાથે ખતમ થયો હતો અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી સૂક્કો મહિનો હતો. તેમ છતાં, ૧૯૯૪ બાદથી ૨૦૧૯નું ચોમાસું સૌથી સારું રહ્યું હતું, જેમાં લાંબાગાળાના સરેરાશ કરતાં ૧૦ ટકાથી વધુ વરસાદ પડ્યો હતો.

'ભારતમાં આ જૂન મહિનામાં સારો અને એકસરખો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના ૩૬ પેટા વિભાગોમાંથી માત્ર ૬માં ઓછો વરસાદ નોંધાયો હતો', તેમ IMDના હેડ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું.

ચોમાસાએ ૧૨ દિવસ પહેલા એટલે કે ૨૬મી જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો હતો. સામાન્ય રીતે આમ ૮ જુલાઈએ થતું હોય છે. મોહપાત્રાએ કહ્યું કે, ૩ વેધર સિસ્ટમના કારણે આ વખતે વહેલું ચોમાસું બેસી ગયું છે.

'સૌથી પહેલા મે મહિનાના અંતમાં અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી, જે પાછળથી નિસર્ગ વાવાઝોડામાં ફેરવાઈ હતી. જેના કારણે ચોમાસુ કેરળ બાદ મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે ધીમે-ધીમે આગળ વધ્યું હતું. ત્યારબાદ ૧૨મી જૂને બંગાળની ખાડી પર લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી અને મહિનાના ત્રીજા અઠવાડિયામાં દેશના બાકીના ભાગમાં પણ ચોમાસુ આગળ વધ્યું હતું', તેમ મોહપાત્રાએ કહ્યું.

જો કે, મધ્ય ભારત જયાં સામાન્ય કરતાં ૩૧ ટકા વધારે વરસાદ છે અને પૂર્વ તેમજ ઉત્તરપૂર્વીય ભાગમાં અત્યારસુધીમાં મેકિસમમ વરસાદ નોંધાયો છે. પરંતુ દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હજુ ચોમાસાની નોંધપાત્ર ગતિવિધિ જોવા મળી નથી.

'ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત નબળી હતી. ઉત્તર ભાગમાં ૪ જુલાઈ પછી જ વરસાદ પડશે તેવી શકયતા અમને લાગી રહી છે, તેમ IMDના ચીફે કહ્યું.

અત્યારસુધીમાં સારા વરસાદના કારણે દેશભરમાં પાણીનો સંગ્રહ પણ સારો થયો છે. ૨૬ જૂનના રોજ સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ૧૨૩ મહત્વપૂર્ણ જળાશયોમાં સરેરાશ પાણીનું સ્તર ગયા વર્ષના સ્તરના લગભગ ૧૯૪ ટકા અને ૧૦ વર્ષના સરેરાશના ૧૭૧ ટકા જેટલું હતું.

(10:08 am IST)