Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ચાલાબાજ ચીનાઓ

ચીનમાં સોનાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ : ગોલ્ડના નામે મુકી દીધુ તાંબુ

વુહાનની કંપની ઉપર અમેરિકાનો ૨.૮ અબજ ડોલરના ફ્રોડનો આરોપ

બેઇજિંગ,તા.૧ : સમગ્ર વિશ્વમાં લાખો લોકોને ભરખી જનાર જીવલેણ ચેપ કોરોના વાયરસની મહામારીની સચ્ચાઇ છુપાવવા અને પડોશી દેશોની જમીન પચાવી જવાના કારણે દુનિયાભરમાં નફરતનો ભોગ બનેલા ચીનમાં સોનાનું એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આ કૌભાંડ તાજેતરના વર્ષોમાં સોનાનું સૌથી મોટું કૌભાંડ હોઇ શકે છે. આ કોભાંડ એ શહેરમાં બન્યુ છે જે કૌભાંડની જનની બની ચૂકી છે. એ શહેર જયાંથી કોરોના વાયરસની મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઇ છે. એટલે કે ચીનનું વુહાન શહેર. રિપોર્ટ મુજબ ચીનના કુલ સોનાના ભંડારમાં ૪ ટકાથી વધારે સોનું નકલી હોઇ શકે છે.

ચીનમાં સૌથી મોટા જવેલર્સ પૈકીના એક અને નાસ્ડેક ખાતે લિસ્ટેડ કિંગોલ્ડ જવેલરી પર ૧૪ નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા બદલ જામીનગીરી પેટે સોનાની નકલી લગડી મૂકવાનો આરોપ મૂકાયો છે. કંપની એ ૮૩ ટન સોનું ગીરવે મૂકીને ૨૦.૬ અબજ યુઆનની લોન લીધી હતી. પરંતુ તેમાંથી મોટાભાગનું સોનું માત્ર ગિલેટ કરાયેલુ તાબું નીકળ્યુ છે. જે ચીનના સોનાના કુલ વાર્ષિક ઉત્પાદનના ૨૨ ટકા અને પાછલા વર્ષે દેશની પાસે રહેલા ગોલ્ડ રિઝર્વના ૪.૨ ટકા બરાબર છે.

જેને સોનું સમજયુ, તે તાબું નીકળ્યું

અમેરિકાની બે લો-ફર્મ એ રોકાણકારો તરફથી આ મામલે પહેલાંથી જ તપાસ શરૂ કરી દીધી છે. કિંગોલ્ડ ચીન હુબેઇ પ્રાંતની સૌથી મોટો ગોલ્ડ પ્રોસેસર છે. તેના ચેરમેન જિયા ઝિહોંગ ચીનના શકિતશાળી પીપલ્સ લિબરેશન આર્મીના પૂર્વ અધિકારી છે. સોનું નકલી હોવાનો ઘટસ્ફોટ ફેબ્રુઆરીમાં થયો જયારે એક ટ્રસ્ટે ગિરવે મૂકેલુ સોનું વેચીને ડિફોલ્ટ લોનની રિકવરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જાણવા મળ્યુ કે જેને તેઓ સોનું સમજી રહ્યા હતા તે તો ગીલેટ કરેલુ તાબું છે.

આ ગોલ્ડ સ્કેમના અહેવાલ વહેતા થતા જ કિંગોલ્ડને લોન આપનાર સંસ્થાઓ-બેન્કોમાં હાહાકાર મચી ગયો છે. સોના સામે લોન આપનાર આ સંસ્થાઓએ પોતાની પાસે ગીરવે મૂકેલા સોનાની શુદ્ઘતાની ચકાસણી કરાવી તો તે તાબું નીકળ્યુ. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં ચીનના હુનાના પ્રાંતમાં આવા જ પ્રકારના એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

(10:07 am IST)