Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઇરાન-તેહરાનમાં મેડિકલ કિલનિકમાં ભીષણ વિસ્ફોટ, ૧૯ લોકોના મોત તથા અનેક ઘાયલ

કિલનિકમાં ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક તારણ છે

નવી દિલ્હી,તા.૧ : ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ કિલનિકમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ૧૯ જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક પ્રશાસન ઘ઼ટનાસ્થળે પહોંચી ગયું છે. અકસ્માતની તપાસ થઈ રહી છે. તેહરાનની કિલનિકમાં ગેસ લીકેજના કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક તારણ છે.

ઈરાની સરકારી ચેનલના અહેવાલ મુજબ ઈરાનની રાજધાની તેહરાનમાં એક મેડિકલ કિલનિકમાં મંગળવારે મોડી રાતે ધડાકાભેર આગ લાગી. હાલ આ આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે. તેહરાનની ઈમરજન્સી સેવાઓના પ્રમુખ પેમૈન સબેરિયને કહ્યું કે ર્દુઘટના કદાચ ગેસ કેપ્સ્યૂલ વિસ્ફોટના કારણે લાગી. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં ૧૦ મહિલાઓ અને ૩ પુરુષ સામેલ છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ૧૯ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દ્યટનાસ્થળ પર અનેક ધડાકાનો અવાજ સંભળાયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમનેઈએ હજુ સુધી આ વિસ્ફોટ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

તેહરાનના ફાયર વિભાગના જલાલ મલેકીએ કહ્યું કે આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે. કહેવાય છે કે વિસ્ફોટના કારણે પાસેની બે ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે કિલનિકની અંદર ૨૫ કર્મચારીઓ હતાં. જેઓ મુખ્ય રીતે સર્જરી અને મેડિકલ તપાસ સંબંધિત કામ કરતા હતાં. આ અગાઉ ગત સપ્તાહે તેહરાનમાં સંવેદનશીલ સૈન્ય મથક પાસે વિસ્ફોટ થયો હતો.

(10:05 am IST)