Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કર્ણાટકમાં માનવતા શર્મસાર : એક જ ખાડામાં દફન કરવામાં આવ્યા કોરોના દર્દીઓના મૃતદેહ : જુઓ કથિત વિડીયો

અમાનવીય વ્યવહારનો વિડિઓ વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો : સ્વાસ્થ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

બેંગલુરૂ: કર્ણાટકમાં માનવતાને  શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે કોરોના વાયરસ સંક્રમણથી મૃતકના શબને એક ખાડામાં ફેકીને દફન કરતો વીડિયો વાયરલ થયો છે. કર્ણાટકના બલ્લારી જિલ્લાનો આ વીડિયો કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પણ શેર કર્યો છે અને અમાનવીય રીત પર સવાલ ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં પીપીઇ કિટ પહેરેલા કેટલાક લોકો જોવા મળે છે, જે એક ગાડીમાં રાખેલા કેટલાક શબોને એક ખાડામાં ફેકી રહ્યા છે. તમામ શબ ફેક્યા બાદ આ ખાડાને ઢાંકી દેવામાં આવે છે. આ કેસ સામે આવ્યા બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલૂએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, તેમણે કહ્યું, ‘બલ્લારીમાં કોરોના દર્દીઓના શબોને આવી અમાનવીયતાથી ખાડામાં ફેકવામાં આવવુ વિચલિત કરનારૂ છે, તેમણે તેની તપાસની માંગ કરતા કહ્યું કે તેનાથી ખબર પડે છે કે સરકાર કોરોના સંકટને કઇ રીતે સંભાળી રહી છે.’

  કહેવામાં આવે છે કે આ ખાડામાં આઠ લાશોને દફનાવવામાં આવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ ગુસ્સે થયા છે. લોકો આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે અને સ્વાસ્થ્ય વિભાગના વલણ પર સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ બલ્લારી પોલીસે પણ કહ્યું છે કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

  બલ્લારીના ડેપ્યુટી કમિશનર એસએન નકુલે કહ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો તેમના ધ્યાનમાં આવ્યો છે .આ વીડિયો આ જિલ્લાનો જ છે. ખાડામાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા આઠ દર્દીઓના શબ ફેકવામાં આવ્યા છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવી ચુક્યા છે

(8:34 am IST)