Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સ્કુલ ફી માફીની માંગણીસર ૮ રાજયોના વાલીઓ સુપ્રિમના દ્વારે

ગુજરાત સહિતના રાજયોના વાલીઓની અરજીઃ ૩ માસ સુધીની ફી માફ કરવા તથા નિયમિત સ્કુલ શરૂ થાય ત્યાં સુધી ફી રેગ્યુલેટ કરવા માંગણીઃ ફી ન આપી શકનાર વિદ્યાર્થીને શાળામાંથી કાઢવામાં ન આવે

નવી દિલ્હી તા. ૧ :.. આઠ રાજયોના અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને લોકડાઉન દરમ્યાન ખાનગી શાળાઓની ત્રણ મહિનાી (એપ્રિલથી જુન) ફી માફ કરવા અને શાળા નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી ફીને નિયંત્રીત કરવાની માંગણી કરી છે. એવી પણ માંગણી કરાઇ છે કે ફી ન આપી શકનાર બાળકને શાળામાંથી કાઢી ન મુકવામાં આવે કેમ કે કોરોના મહામારીના લીધે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં રોજગાર બંધ થવાથી ઘણા લોકો ફી ભરવા માટે અસમર્થ થઇ ગયા છે.

સુપ્રીમ પાસે માંગણી કરાઇ છે કે તે પ્રીતિવાદી બનાવાયેલ આઠે આઠ રાજયો રાજસ્થાન, ઓરિસ્સા, ગુજરાત, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ અથવા તો દેશના બધા રાજયોને આ અંગે  હુકમ કરે. વિભીન્ન રાજયોમાં રહેતા દસ વાલીઓ તરફથી દાખલ અપીલમાં કહેવાયુ છે કે તે લોકો જીવન અને શિક્ષણના મૌલિક અધિકારની રક્ષા માટે મળીને સુપ્રીમ કોર્ટમાં આવ્યા છે. કોરોના મહામારીના લીધે શાળાઓમાં ભણતાં બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના ઘણા વાલીઓની ફી ચુકવવાની આર્થિક સ્થિતી નથી રહી અને તેમણે બાળકોને શાળામાંથી ઉઠાડી લેવા મજબૂર થવું પડે છે. અરજીમાં કહેવાયું છે કે હજુ બોર્ડના પરિણામો આવ્યા નથી, બાળકોએ પણ નથી જાણતાં કે તેમને કઇ લાઇનમાં જવાનું છે. બાળકો પાસે પુસ્તકો અને સ્ટેશનરી ન હોવાથી અભ્યાસ દરમ્યાન સંદર્ભ સમજી નથી શકતાં. ઘણાંની પાસે લેપટોપ, સ્માર્ટ ફોન નથી. જે ઘરોમાં બે અથવા વધારે બાળકો છે તેમને આવા વધારે ઉપકરણોની જરૂર પડે છે. નેટવર્ક ઘણીવાર નથી હોતું. અભ્યાસનું  કોઇ  અસરકારક તંત્ર નથી.

(10:50 am IST)