Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ગરીબોને ૧૦ ટકા અનામત પર મનાઈ ફરમાવવા સુપ્રીમનો ઈન્કાર

કેન્દ્રની મોદી સરકારને મોટી રાહતઃ બંધારણમાં ફેરફાર કરી ગરીબોને ૧૦ ટકા અનામત આપવાના ફેંસલા વિરૂદ્ધ અનેક અરજીઓ દાખલ થઈ છેઃ અદાલતે તમામ અરજીઓ પર સુનાવણી માટે ૧૬મી જુલાઈ નક્કી કરી : લોકસભાની ચૂંટણી પહેલા એસસી/એસટી સંશોધન બીલ પર બેકફુટ પર આવેલ મોદી સરકારે આર્થિક આધાર પર અનામતનો દાવ ખેલી નારાજ સવર્ણોને મનાવવાનો પ્રયાસ કર્યો હતોઃ જેને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. ૧ :. આર્થિક આધાર પર ગરીબ વર્ગ માટે આપવામા આવેલ ૧૦ ટકા અનામતના મામલામાં સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને મોટી રાહત આપવામાં આવી છે. કોર્ટે કેન્દ્રના ફેંસલા પર સ્ટે લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટ બે સપ્તાહ બાદ આ મામલાની સુનાવણી કરશે. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક આધાર પર સામાન્ય વર્ગને ૧૦ ટકા અનામત આપવાની વિરૂદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યુ છે. આ પહેલા કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી હતી અને સરકારે તેને યોગ્ય ઠેરવ્યુ હતુ. અરજીમાં જણાવાયુ છે કે આ ફેંસલાથી ઈન્દીરા સાહની મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠના વધુમાં વધુ અનામતની સીમાનુ ઉલ્લંઘન થાય છે.

ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેના નેતૃત્વવાળી ખંડપીઠ ૧૬ જુલાઈએ આ અરજીઓ પર સુનાવણી કરશે. જેમા એવુ નક્કી કરવામાં આવશે કે બંધારણીય સંશોધન કરીને ૧૦ ટકા અનામતને આપવામા આવેલ મંજુરી પર વચગાળાનો આદેશ પસાર કરી મનાઈ ફરમાવવામાં આવે કે નહિ ?

અત્રે એ નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા એસસી/એસટી સંશોધન બીલ પર બેકફુટ પર આવેલ મોદી સરકારે આર્થિક આધાર પર અનામતનો દાવ ખેલી નારાજ સવર્ણોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવતો હતો કારણ કે સુપ્રીમ કોર્ટના ફેંસલા વિરૂદ્ધ આવેલ આ બીલની સામે દેશના અનેક ભાગોમાં મોદી સરકાર વિરૂદ્ધ દેખાવો થયા હતા. ભાજપના નેતાઓને લાગતુ હતુ કે, તેમની કોર વેટ બેન્ક રહેલ સુવર્ણ લોકો ચૂંટણીમાં ફટકો પાડી શકે તેમ છે. જે પછી સરકારે સામાજિક ન્યાયનો હવાલો આપી આર્થિક રીતે પછાત સામાન્ય શ્રેણીના લોકોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. સંસદમાં ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ પણ તેના ઉપર મહોર લગાવી હતી. હવે સરકારના જાહેરનામાથી આ અનામત લાગુ થઈ ગયેલ છે. ગુજરાત સરકારે સૌથી પહેલા પોતાના રાજ્યમાં આ વ્યવસ્થા લાગુ કરી છે તે પછી ઝારખંડે પણ અનામત આપેલ છે.

સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થકી સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં ૧૦ ટકા અનામત આપવાને કાનૂની પડકાર આપવામાં આવેલ છે.

(3:34 pm IST)