Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

એરઇન્ડિયા કાંડ : પ્રફુલ પટેલ સામે સમન્સ જારી

આગામી સપ્તાહમાં ઉપસ્થિત થશે

નવી દિલ્હી, તા.૧ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા યુપીએ શાસનકાળમાં સરકારી વિમાન કંપની એરઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં પૂર્વ નાગિરક ઉડ્ડયનમંત્રી પ્રફુલ પટેલને સમન્સ જારી કર્યું છે. એનસીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પ્રફુલ પટેલની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તેમની સામે હવે સંકજો મજબૂત કરવામાં આવી રહ્યો છે. પ્રફુલે તપાસમાં સહકાર કરવાની સંપૂર્ણ ખાતરી આપી છે. અધિકારીઓએ આજે સાંજે કહ્યું હતું કે, રાજ્યસભાના સભ્ય પ્રફુલ પટેલને છઠ્ઠી જૂનના દિવસે તપાસ અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત થવા માટે કહેવામાં આવી ચુક્યું છે. કરોડો રૂપિયાના આ કૌભાંડના કારણે પ્રફુલ પટેલની મુશ્કેલી વધી શકે છે. કરોડો રૂપિયાના કૌભાંડમાં કોઇ મોટા નેતાની સામે પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ વિમાન કંપનીમાં લોબિસ્ટ રહેલા દિપક તલવારની ધરપકડ બાદ કેટલાક ખુલાસાઓ થઇ ચુક્યા છે જેથી પ્રફુલ પટેલને તપાસનો સામનો કરવો પડી શકે છે.

(7:28 pm IST)