Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કોલ સેન્ટર કૌભાંડઃ શાર્વિલ પટેલને ૭ વર્ષની જેલ સજા

અમેરીકી નાગરીકોને ડરાવી ઉઘરાણી કરતો હતો

ભારતમાં ચાલી રહેલા કોલસેન્ટર ફ્રોડ માટે અમેરિકામાં ગુજરાતી યુવકને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ૨૩ વર્ષીય શાર્વિલ પટેલે ફેબ્રુઆરી ૨૦૧૯માં પોતાના અપરાધની કબૂલાત કરી લીધી હતી. ગુરુવારે અમેરિકી અદાલતે ભારતીય કોલસેન્ટર સ્કેમમાં તેની ભૂમિકા માટે સાત વર્ષ અને ૬ મહિનાની કેદની સજા ફટકારી હતી.

શાર્વિલ પટેલ પર વાયર ફ્રોડ અને ઓળખની ચોરી કરવાના આરોપો પુરવાર થયા હતા. કોલસેન્ટર સ્કેમમાં સંડોવણી માટે સજા મેળવનારો શાર્વિલ પટેલ ત્રીજો ભારતીય છે. માર્ચ મહિમાં નિશિત પટેલને ૮ વર્ષ અને ૯ મહિનાની કેદ ફટકારાઈ હતી. એપ્રિલ મહિનામાં હેમલકુમાર શાહને ૮ વર્ષ અને ૬ મહિનાની કેદ થઈ હતી.

કોર્ટના દસ્તાવેજોના જણાવ્યા અનુસાર શાર્વિલ પટેલ તેના અમેરિકા સ્થિત કાવતરાખોરો અને ભારત સ્થિત કોલસેન્ટરોની મદદથી અમેરિકી નાગરિકોને ડરાવીને ખંડણી ઉદ્યરાવી રહ્યો હતો.

 શાર્વિલ પટેલ પોતે આઈઆરએસ અધિકારી હોવાનું જણાવી અમેરિકી નાગરિકોને ધમકી આપતો હતો કે, તેમને આઈઆરએસને કેટલાક નાણાં ચૂકવવાના બાકી છે. જો તેઓ ટેકસની આ રકમ તાત્કાલિક નહીં ચૂકવે તો તેમની ધરપકડ કરાશે. આ રીતે તેઓ અમેરિકી નાગરિકો પાસેથી ખંડણી ઉદ્યરાવતા હતા.  કાવતરાખોરોને શાર્વિલ પટેલ અમેરિકી નાગરિકોના નામ, સ્થળ અંગેની માહિતી પૂરી પાડતો હતો.

(3:57 pm IST)