Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જેડીએસ-કોંગ્રેસ લોકસભા ચૂંટણી હવે એક સાથે લડશે

કર્ણાટકમાં ખાતાઓની વહેંચણી વિવાદ ઉકેલાયોઃ કોંગ્રેસ પાસે ૨૨, જેડીએસ પાસે ૧૨ વિભાગ : મહત્વપૂર્ણ નાણા ખાતુ જેડીએસ પાસે રહેશે : કોંગ્રેસનું હળવું વલણ

બેંગ્લોર,તા. ૧ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોકવા માટે વિપક્ષ હવે સંપૂર્ણપણે સાથે છે. ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં જ કૈરાના-નુરપુરમાં ભાજપની સામે મહાગઠબંધનની જીત બાદ વધુ પ્રયાસો થઇ રહ્યા છે. આજે કર્ણાટકમાં ગઠબંધનની સરકારમાં સામેલ કોંગ્રેસ અને જેડીએસે હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પણ સાથે મળી લડવા નિર્ણય કરી ચુકી છે. કર્ણાટકમાં મંત્રાલયોને લઇને અડચણોનો ઉકેલ આવી ગયો છે. હવે કોંગ્રેસના ૨૨ અને જેડીએસને ૧૨ મંત્રાલય મળી ગયા છે. આજે કોંગ્રેસ અને જેડીએસે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ૨૦૧૯ની ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો હતો. ગઠબંધન સરકારના મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, કેબિનેટ વિસ્તરણ અને પોર્ટફોલિયોની વહેંચણીને લઇને કોઇ મતભેદ નથી. નાણાં વિભાગ જેડીએસની પાસે રહેશે. જ્યારે કોંગ્રેસ પાસે પણ મહત્વના ખાતા રહેશે. મંત્રાલયોના ખાતાઓના સંદર્ભમાં વાત કરવામાં આવે તો કોંગ્રેસની પાસે ગૃહ, મહેસુલ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ જેવા ખાતા રહેશે જ્યારે જેડીએસની પાસે નાણાં, પ્રવાસ, પીડબલ્યુડી, શિક્ષણ અને પરિવહન વિભાગ રહેશે. બંને પાર્ટીઓ વચ્ચે નાણાં વિભાગને લઇને ખેંચતાણ ચાલી રહી હતી. સુત્રોના કહેવા મુજબ કુમારસ્વામી નાણા વિભાગ પોતાની પાસે રાખશે તેમ માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે અન્ય કોઇને મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. કુમારસ્વામી નાણાં વિભાગ પોતાની પાસે રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગઠબંધન મંત્રીમંડળનું વિસ્તરણ આગામી સપ્તાહમાં ચોથી અથવા પાંચમી જૂનના દિવસે કરવામાં આવે તેવી શક્યતા છે. કુમારસ્વામી નવા પ્રધાનોને લઇના શપથને લઇને ટૂંકમાં જ રાજ્યપાલ સાથે વાત કરી શકે છે.

(9:50 pm IST)