Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આવનાર સમય એશિયાનો રહેશે : નરેન્દ્ર મોદીનો દાવો

૨૦૦૧ બાદ ૧૫ મિનિટની રજા લીધી નથી : સિંગાપોરમાં વિદ્યાર્થીની સાથે ચર્ચા : પ્રેશર પોલિટિક્સનું પણ લોકશાહીમાં સ્થાન : અનેક પ્રશ્નોના જવાબ આપ્યા

નવીદિલ્હી,તા. ૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરમાં નાન્યાંગ ટેકનોલોજી યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મોદીને કેટલાક પ્રશ્નો પણ કર્યા હતા. આ ગાળા દરમિયાન મોદીએ પ્રેશર પોલિટિક્સથી લઇને કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. મોદીએ બાળકોને કહ્યું હતું કે, તેઓ કઈ રીતે પ્રેશર પોલિટિક્સમાંથી હળવાશની સ્થિતિમાં આવી જાય છે. મોદીના સંબોધનથી પહેલા બંને દેશો વચ્ચે કેટલાક એમઓયુ પણ થયા હતા. વિદ્યાર્થીઓ સાથેની ચર્ચામાં મોદીએ કહ્યું હતું કે, આવનાર સમય એશિયાનો છે. સાફ દેખાય છે કે એશિયાની સ્થિતિ મજબૂતી સાથે આગળ આવશે. ચીન અને એશિયા વિતેલા વર્ષોમાં પણ દુનિયાના વેપાર પર શાસન કરતા કહ્યા છે. મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી બનતા પહેલા જે પ્રકારે તેમનું જીવન હતું તે પ્રકારનું જીવન આજે પણ રહ્યું છે. લોકતંત્રમાં પોલિટિકલ પ્રેશર ગ્રુપની એક દુનિયા હોય છે. આનો સામનો કરવાની બાબત મુશ્કેલરુપ હોય છે પરંતુ ટેકનોલોજીના માધ્યમથી તેનો સામનો કરી શકાય છે. પહેલાના જમાનામાં પોલિટિકલ પ્રેશરની સ્થિતિ વધારે હતી. કોઇ જગ્યાએ હોસ્પિટલ બનાવવા, કોઇ જગ્યાએ સ્કુલ બનાવવાનું દબાણ રહેતું હતું. તેઓએ સ્પેશ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેપ તૈયાર કર્યા છે જેમાં સ્કેવર કિલોમીટરના ક્ષેત્રમાં સ્કુલ અને હોસ્પિટલ રહેશે. મોદીએ એશિયાની સામે કયા પડકાર છે તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ભવિષ્ય એશિયાનું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમને અમારી સામે આવનાર તકોને જોવી જોઇએ. આ તકોને આંચકી લેવાના પ્રયાસ કરવા જોઇએ. એશિયાની સામે ઘણા પડકારો છે. દરેક પડકાર એક તક સમાન છે. હિન્દીમાં આપવામાં આવેલા ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, ૨૦૦૧થી પહેલા તેઓ મુખ્યમંત્રી ન હતા પરંતુ તેમનું જીવન આજે પણ પહેલા જેવું જ છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી બન્યા બાદ તેમના જીવનમાં કોઇ ફેરફાર થયા ન હતા. તેઓ પહેલાથી અલગ પોતાને ક્યારેય અનુભવ કરતા નથી. તેમનું કહેવું છે કે, જ્યારે દેશના સૈનિક સરહદ પર લડે છે ત્યારે બીજી બાજુ અમારી માતાઓ ઘરમાં સંઘર્ષ કરે છે જેથી તેમને લાગે છે કે, તેમને પણ આરામ કરવાનો સમય નથી. ૨૦૦૧ બાદથી હજુ સુધી ક્યારે પણ ૧૫ મિનિટની પણ રજા લીધી નથી. ટેકનોલોજીના વિસ્તરણ અંગે તેમણે કહ્યું હતું કે, ટેકનોલોજીથી સામાજિક અંતરને દૂર કરવામાં મદદ મળી છે.

(7:42 pm IST)