Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

નોટબંધીમાં રમત : ડીકેની ધરપકડ થાય તેવી શક્યતા

કોંગ્રેસને બચાવનાર ડીકે પર સકંજો મજબૂત : સર્ચ વોરંટ મેળવી લીધા બાદથી ઉંડી તપાસ : સીબીઆઈ ૨૦૧૭થી નોટબંધીના સંદર્ભે કેસમાં તપાસ કરી રહી છે

નવીદિલ્હી,તા. ૧ : નોટબંધીના ગાળા દરમિયાન ખેલ કરવાના આરોપના પરિણામસ્વરૂપે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર અને તેમના ભાઇ ડીકે સુરેશની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. શિવકુમારે જ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સંગઠિત રાખવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. જેના કારણે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વેળા પણ શિવકુમારે જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. નોટબંધી વેળા રમત રમનાર બીકે શિવકુમાર ઉપર સકંજો હવે મજબૂત કરવામાં આવ્યો છે. બંને ભાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ભાજપની કેન્દ્ર સરકાર ઉપર સરકારી વ્યવસ્થાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. સીબીઆઈએ કર્ણાટક સરકારમાં મંત્રી રહી ચુકેલા શિવકુમાર અને બેંગ્લોર ગ્રામીણમાંથી સાંસદ સુરેશની સાથે ૧૧ અન્ય લોકોની સામે સ્થાનિક કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવી લીધો છે. આ લોકો ઉપર નોટબંધીના ગાળા દરમિયાન મની એક્સચેંજ રેકેટ ચલાવવા અને ગેરકાયદેરીતે પૈસા બદલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ વર્ષ ૨૦૧૭થી જ આ કેસમાં તપાસ કરી રહી છે. અનેક જગ્યાએ દરોડા પાડવામં આવી ચુક્યા છે. રામાનગર જિલ્લાના કનકપારાની એક લોકલ કો-ઓપરેટિવ બેંકના મેનેજરે પુછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે, ડીકે સુરેશના કહેવા પર તેઓએ નોટ બદલી આપ્યા હતા. પદ્માનાભૈયા નામની વ્યક્તિના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ૧૨૦ વોટર આઈડી કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે કોઇએ અરજી કરી ન હતી. ૧૦થી પહેલી નવેમ્બર ૨૦૧૬ વચ્ચેના ગાળા દરમિયાન આ કાર્ડનો ઉપયોગ નોટ બદલવા માટે કરવામાં આવ્યો હતો. આ કાર્ડનો પદ્માનાભૈયાએ ૧૦ લાખ રૂપિયા બદલવા માટે ઉપયોગ કર્યો હતો.

સીબીઆઈનો આક્ષેપ છે કે, આ કાર્ડને બનાવવા માટે લોગિન આઈડી, હોલોગ્રામ અને સ્ટેમ્પનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. સર્ચ વોરંટ અંગેના અહેવાલ મળતાની સાથે જ ડીકે બ્રધર્સમાં ખળભળાટ મચી ગયો છે. આ બંનેએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા વય્વસ્થાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ, આઈટી અને ઇડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ પણ લાવવામાં આવી રહ્યું છે. ડીકે સુરેશનું કહેવું છે કે, રાજ્યસભા ચૂંટણી દરમિયાન જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં રોકાયા હતા ત્યારથી જ તેમના ઉપર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. ભાજપમાં જોડાઈ જવા માટે કહેવામાં આવી રહ્યું હતું. કર્ણાટકમાં બહુમતિ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભાજપ સરકારે હવે તેમના ઉપર સકંજો કસવાના પ્રયાસ કર્યા છે.

(7:40 pm IST)