Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઇઝરાયેલ પાસેથી સ્પાઇક મિસાઇલ ખરીદવા તૈયારી

સેનાની એન્ટી ટેંક કેપેબિલીટીમાં વધારો થશે : ખરીદદારીના પ્રસ્તાવને લઇને ટૂંકમાં જ મંજુરી મળી શકે

નવીદિલ્હી,તા. ૧ : ભારત સરકાર ઇઝરાયેલ પાસેથી સ્પાઇક મિસાઇલો ખરીદવાની તૈયારી કરી રહી છે. આ મિસાઇલો પાકિસ્તાનની સામે સેનાની એન્ટીટેંક ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. આ મામલાથી જોડાયેલા લોકોએ આ અંગેની માહિતી આપી છે. બ્લુમ્બર્ગમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન આવનાર ત્રણ વર્ષમાં સ્વદેશી એન્ટી ટેંક મિસાઇલો બનાવવાની તૈયારીમાં છે પરંતુ સેના હજુ સુધી એ વખતના અંતરને ખતમ કરવા માટે સ્પાઇક મિસાઇલો ખરીદવાની ઇચ્છા ધરાવે છે. આ ખરીદદારી અંગેનો પ્રસ્તાવ એડવાન્સ તબક્કામાં છે. સુત્રોનું કહેવું છે કે, આ પ્રસ્તાવ માટે ભારત સરકારની મંજુરીનો ઇંતજાર છે. સુત્રોનું કહેવું છે કે, એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલનો ઓર્ડર ઇઝરાયેલની રાપેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આ મિસાઇલની ખરીદીનો નિર્ણય આ વર્ષે લેવામાં આવી શકે છે. રાફેલના ઇઝરાયેલ સ્થિત ઓફિસના પ્રવક્તાએ અહેવાલ આપતા કહ્યું છે કે, આ સંભવિત સોદાબાજીને લઇને ચર્ચા ચાલી રહી છે પરંતુ જ્યાં સુધી સમજૂતિ પર હસ્તાક્ષર થતાં નથી ત્યાં સુધી વધુ વિગત આપવાની બાબત યોગ્ય રહેશે નહીં. લાંબી ચર્ચા અને મંત્રણા બાદ ભારતે જાન્યુઆરી ૨૦૧૮માં આશરે ૩૩૫૮ કરોડ રૂપિયાની આ ડિલને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ડીઆરડીઓના એવા વચન બાદ આ સમજૂતિને રદ કરી હતી કે, તે ટૂંક સમયમાં જ સેનાની જરૂરિયાત મુજબ ૮૦૦૦ એન્ટી ટેંક મિસાઇલ ઉપલબ્ધ કરાવશે. ડીઆરડીઓ દ્વારા વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ભારતમાં બનેલી એન્ટી ટેંક મિસાઇલ આપવાનું વચન આપ્યું હતું. ટ્રાયલ સફળ થયાબાદ તેનું મોટાપાયે નિર્માણ થશે.

(7:39 pm IST)