Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કાળુ નાણું, બેનામી સંપત્તિની માહિતી આપનારાને રૂ. ૫ કરોડ સુધી ઇનામ

દેશમાં પાડેલા દરોડામાં રૂ. ૫૦ લાખ સુધી રિવોર્ડસ મળશે

નવી દિલ્હી તા. ૧ : બ્લેક મની બહાર લાવવા માટે ઇન્કમટેકસ નવી રીવોર્ડસ સ્કીમ લાવ્યું છે. ફોરિન બ્લેક મનીની માહિતી આપનારને રૂ. ૫ કરોડ સુધીનું ઈનામ અને બેનામી પ્રોપર્ટીના કેસમાં આ રકમ રૂ. ૧ કરોડ સુધી ચુકવાશે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા માટે તેમને ખાસ કોેડ નંબર અપાશે.

સીબીડીટીએ આજે ઇન્કમટેકસ ઇન્ફર્મેશન રીવોર્ડસ સ્કીમ ૨૦૧૮ની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર ટેક્ષચોરી કરતા અને કાળુનાણું પરદેશમાં રોકાણ કરતા હોય કે બેનામી મિલકતોમાં રોકાણ કરેલ હોય. તે અંગેની માહિતી આવકવેરાના દરોડા પાડતી વીંગને એક એનેક્ષર-એ ફોર્મમાં આપવાની રહેશે.

આ અંગે ટેક્ષ કન્સલટન્ટ પ્રમોદ પોપટે જણાવ્યું કે, જો દરોડામાં આપેલી માહિતી મુજબ કાળું નાણું પકડાશે તો તે રિવોર્ડસ મેળવવાને પાત્ર થશે. ફોરેન બ્લેક મનીના કેસમાં પકડાયેલા રકમના ૧ ટકા રિવોર્ડ મળશે અને વધુમાં વધુ ૫ કરોડ સુધી ચુકવાશે. જયારે કાળાનાણાં અંગેની દેશમાં પાડેલા દરોડાના કેસમાં જો સરકારે વસુલ કરેલ વધારાના ટેક્ષના ૫ ટકા અને વધુમાં વધુ ૫૦ લાખની મર્યાદામાં ચુકવાશે. જયારે બેનામી પ્રોપર્ટના કેસમાં આ રકમ ૧ કરોડ સુધી ચુકવાશે.

માહિતી આવકવેરાના દરોડા પાડતી વીંગના ડીજીઆઇટી અ્ને પીડીઆઇટી અથવા જેતે વિસ્તારના કાર્યક્ષેત્રના જેડીઆઇટી સમક્ષ રૂબરૂમાં હાજર થઇ આપવાની રહેશે. માહિતી આપવામાં આવતી વ્યકિતને એક એનેક્ષર-એ ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મમાં ટેક્ષ ચોરી કરતી વ્યકિત વિશે તમામ માહિતી જેવી કે નામ સરનામાં, પાન નંબર, ધંધાની વિગત, તેમની મોડશ ઓપરેન્ડિ, સંલગ્ન સગા સંબંધીઓની માહિતી તથા બ્લેક મની કયા રાખવામાં આવ્યા છે. માહિતી મળ્યા બાદ ઇન્વેસ્ટીગેશન વીંગ આ મહિતીની ખરાઇની ગુપ્ત રીતે તપાસ આદરશે ત્યાર બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરશે. ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપનારની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.

(1:22 pm IST)