Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હિમાચલ પ્રદેશમાં જંગલોમાં આગ ભભૂકી : હમીરપુર, ચંબા અને કાંગરા જિલ્લામાં જંગલની આગ બુઝાવવા માટે હેલિકોપ્ટરની મદદ

શિમલા: હિમાચલ પ્રદેશના વનપ્રધાન ગોવિંદસિંહ ઠાકુરે જણાવ્યું કે હિમાચલ પ્રદેશનાં જંગલોમાં આગ ભભૂકી ઊઠી છે. તેમણે જણાવ્યું કે સૌથી વધુ પ્રભાવિત રાજ્યના હમીરપુર, ચંબા અને કાંગરા જિલ્લામાં આગ બુઝાવવા માટે એરફોર્સનાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જંગલમાં આગ લાગવાના ૧૫૪૪ કિસ્સા સામે આવ્યા છે અને અંદાજે ૧.૧૬ કરોડનું નુકસાન થયું છે.

 વનપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ૪૮ કલાકમાં સોલન જિલ્લાના બડ્ડી, ચંબા જિલ્લાના ભટિયાર અને શિમલા જિલ્લાના ઠિયોગમાં ભીષણ આગ ભભૂકી ઊઠી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના મોટા ભાગના જંગલ વિસ્તારમાં આગ લાગી છે અને આ કારણસર અત્યાર સુધીમાં ચારનાં મોત થયાં છે. આગ બુઝાવવાના અભિયાનમાં છ લોકો ઘાયલ થયા છે.

વનપ્રધાન ગોવિંદસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, "એરફોર્સ સૌથી પ્રભાવિત હમીરપુર, ચંબા અને કાંગરા જિલ્લામાં જંગલની આગ બુઝાવવા માટે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવવા તૈયાર છે."

(12:30 pm IST)