Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

UPના પરાજયનું ઠીકરૂ મોદી નહીં, યોગીના માથે ફૂટશે!

આગામી વર્ષ થનારી લોકસભાની ચૂંટણી માટે પક્ષે હવે નવેસરથી રણનીતિ તૈયાર કરવી પડશે

કૈરાના તા. ૧ : પોતાના એક વર્ષના કાર્યકાળમાં જ પોતાની અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની બેઠકો ગુમાવી ચૂકેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથની મુશ્કેલી નાક સમાન કૈરાના લોકસભાની બેઠક હારી જવાને કારણે વધુ વધી ગઇ છે. તેમના ખાતામાં વધુ એક પરાજય લખાઇ ગયો છે. એટલું જ નહિ, નૂરપુર વિધાનસભાની બેઠક પણ યોગી બચાવી શકયા નથી. શરૂઆતથી જ સરકાર અને પાર્ટીની અંદર ઘેરાયેલા યોગી માટે આ પરિણામો વધુ મુશ્કેલીઓ લાવે તેમ છે કેમ કે કૈરાના-નૂરપુરની હારનું ઠીકરું નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પર નહિ પરંતુ યોગીના માથે જ ફૂટશે.

યુપીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ત્યારના પ્રદેશ પ્રભારી અમિત શાહની રણનીતિને કારણે ૨૦૧૪માં વિપક્ષના સૂપડાસાફ કરી દીધા હતા. ૮૦ બેઠકો ધરાવતાં દેશના સૌથી મોટા રાજયમાં ભાજપ ૭૨ બેઠકો સાથે જોરદાર દેખાવ કર્યો હતો. કોંગ્રેસમાં રાહુલ-સોનિયા જ તેમની બેઠકો બચાવી શકયા હતા, જયારે સપાને ચાર જ સીટો મળી હતી. માયાવતીના પક્ષનું ખાતું જ ખુલ્યું ન હતું. સમય વીતતા જ યુપીમાં મોદીની લહેર વધુ મજબૂત બની. મોદી સરકાર બન્યાના ત્રણ વર્ષ બાદ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે ફરી એકવાર મોદી-શાહનો જાદૂ ચાલ્યો હતો અને વિપક્ષો ફરી ખરાબરીતે હાર્યા હતા. ૪૦૩ વિધાનસભાની બેઠકમાં ભાજપને ૩૧૨ બેઠકો મળી હતી તેમજ સપા-કોંગ્રેસ ગઠબંધન અને માયાવતી ઊંધા માથે પટકાયા હતા.

 ભાજપે ૧૪ વર્ષ બાદ સત્ત્।નો વનવાસ ખતમ કરીને પ્રચંડ બહુમતિથી સરકાર બનાવી તો તેનું સુકાન ગોરખપુરના તત્કાલ સાંસદ યોગી આદિત્યનાથને સોંપી દીધું હતું. યોગીને યુપીનો વિકાસ કરવાની જવાબદારી સોંપાઇ અને તેના કારણે પક્ષ માટે ૨૦૧૯ની ચૂંટણી માટે મજબૂત જમીન તૈયાર થઇ જાય અને ૨૦૧૪ના ભાજપના જાદુનું પુનરાવર્તન થઇ જાય. જોકે યોગી તે અપેક્ષા પર ખરા ઉતર્યા નહતા. પોતાની સરકારના એક વર્ષ પૂર્ણ થયા બાદ યોગી ગોરખપુરની પોતાની સીટ પણ બચાવી શકયા નહતા. એટલું જ નહિ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ફૂલપુર વિધાનસભાની સીટ પણ જતી રહી હતી.

 સપા-બસપાએ એક થઇને ભાજપ પાસેથી બન્ને સીટો આંચકી લીધી હતી. જે યોગી માટે એક મોટી પીછેહઠ મનાતી હતી. આ બન્ને આંચકાથી પક્ષ હજુ બહાર આવ્યો ન હતો કે કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપ માટે આ સીટ તેની નાક સમાન હતી. પરંતુ યુપીમાં ફરી એકવાર ભાજપનો પરાજય થતાં આગામી વર્ષ થનારી લોકસભાની ચૂંટણી માટે પક્ષે હવે નવેસરથી રણનીતિ તૈયાર કરવી પડશે. પરંતુ આના કારણે યોગી વિશે ભાજપ કંઇ નવું વિચારે તો નવાઇ નહિ.

(1:21 pm IST)