Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાજપના પરાજયથી ગઠબંધનની રાજનીતિને પાંખ લાગે તેવા એંધાણ

વિપક્ષો પણ સમજી ગયા છે કે મોદી-ભાજપને હંફાવવા હશે તો એકતા કેળવવી પડશેઃ મહાગઠબંધનના પ્રયાસોને આગામી દિવસોમાં વેગ મળે તેવી શકયતાઃ ચૂંટણી પરિણામોથી વિપક્ષોની છાવણીમાં ઉત્‍સાહ : ગઠબંધનના પ્રયાસો સફળ થાય તો ૨૦૧૯માં ભાજપ માટે ૨૦૧૪ની ચૂંટણીનો ઇતિહાસ દોહરાવવાનું સરળ નહિ બને

નવી દિલ્‍હી, તા. ૧ : ચાર લોકસભા સહિત ૧૦ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણી અને કર્ણાટકની એક વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીના પરિણામો લોકોની સામે છે. ક્રિકેટની ભાષામાં કહીએ તો સ્‍લોગ ઓવર્સ શરૂ થઈ ગઈ છે. ભાજપ બેકફુટ ઉપર આવી ગયુ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષની છાવણીમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વિપક્ષના યોરકર્સનો સત્તાધારી પક્ષ પાસે કોઈ જવાબ નથી. એક પછી એક પેટાચૂંટણી હારતા ભાજપ હવે બચાવ પક્ષમાં આવી ગયુ છે. એનડીએના સમર્થન પક્ષો પણ હવે ટીકાકારો બની ગયા છે. પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપના પરાજયથી ગઠબંધનની રાજનીતિને પાંખ લાગી છે.

ગોરખપુર-ફુલપુર બાદ કૈરાના સંસદીય બેઠક અને નુરપુર વિધાનસભા વિસ્‍તારમાં ભાજપને મળેલા પરાજયથી ગઠબંધનની રાજનીતિને વેગ મળ્‍યો છે. સપા અને રાષ્‍ટ્રીય લોકદળે ગઠબંધનના આ પ્રયોગ વડે અન્‍ય પક્ષોને પણ વિચારતા કરી દીધા છે અને ૨૦૧૯માં આવા ગઠબંધનને અજમાવવાના સંકેતો પણ આપી દીધા છે. કોંગ્રેસ ગઠબંધનને લઈને ભલે મૌન હોય પરંતુ બસપા તરફથી સન્‍માનજનક બેઠકો મળે તો તે પણ તૈયાર થઈ જશે. જો ગઠબંધનનો પ્રયોગ સફળ થશે તો ૨૦૧૯માં ભાજપ માટે ૨૦૧૪ની ચૂંટણીનો ઈતિહાસ દોહરાવવાનું સરળ નહિ હોય.

ભાજપની મુશ્‍કેલી એટલા માટે પણ વધશે કે ધ્રુવીકરણની સીયાસતનુ કેન્‍દ્ર બનેલા પ.યુપીમાં ગન્‍ના વિરૂદ્ધ જીન્નાના નારા પર ખેડૂત ખાસ કરીને જાટ સમુદાય વિપક્ષ સાથે ઉભેલો જોવા મળ્‍યો છે. મુઝફરનગર રમખાણોની અસર જોવા મળી નથી.

તાજેતરમાં કર્ણાટક ખાતે વિપક્ષોએ જે એકતાનું પ્રદર્શન કર્યુ તે બાબત ઉપર હવે વિપક્ષો આગળ વધે તેવી શકયતા છે. પેટાચૂંટણીના પરિણામોથી વિપક્ષમાં ખુશાલીનો માહોલ છે. વિપક્ષો પણ સમજી ગયા છે કે જો ભાજપ અને મોદીને હંફાવવા હોય તો એકતા કેળવવી પડશે.

દરમિયાન ભાજપના સરકારના ચાર વર્ષની ઉજવણીનો જશ્‍ન પેટાચૂંટણીના પરિણામોએ ફીક્કો પાડી દીધો છે. એવામાં હવે સવાલ ઉઠે છે કે ભાજપ વિપક્ષના બાઉન્‍સરનો સામનો કેવી રીતે કરશે ? શું વિપક્ષની એકતા યોગ્‍ય લાઈન અને લેન્‍થ પર રહેશે ?

 

(11:05 am IST)