Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાએ ભારત છોડ્યું : પાવરફૂલ લોકો તરફથી મળે છે સતત ધમકીઓ

હું ભારત પરત જવા નથી માંગતો. બધા મારા ખભે ચઢી બેઠા છે અને હું એકલો આ બધું ના કરી શકું.

લંડન :કોરોના વાઈરસ સામે લડતને વેગ આપવા માટે ભારતમાં વૅક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અનેક રાજ્યોમાં વૅક્સિનની કમીના કારણે રસીકરણ નહી થઈ શકે. એવામાં સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ આજે “ધી ટાઈમ્સ”ને ઈન્ટર્વ્યૂ આપીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

ભારત સરકાર દ્વારા વાય કેટેગરીની સિક્યોરિટી મળ્યા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાત કરતા પૂનાવાલાએ જણાવ્યું કે, ભારતમાં પાવરફૂલ લોકો દ્વારા તેમને સતત ફોન કરવામાં આવી રહ્યાં છે અને કોવિશીલ્ડની માંગણી કરવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વૅક્સિન કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે.

વિશ્વની સૌથી મોટી વૅક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના ચીફ અદાર પૂનાવાલાએ કહ્યું કે, ફોન કોલ્સ સૌથી ખરાબ બાબત છે. તેમને કોરોના વૅક્સિન માટે મોટી સંખ્યામાં લોકોના ફોન કૉલ્સ આવી રહ્યાં છે અને તેમને ધમકીઓ પણ મળી રહી છે.

 

આ દબાણના કારણે જ તેમણે પોતાની પત્ની અને બાળકો સાથે લંડન આવવાનો નિર્ણય લીધો. અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, હું લંડનમાં લાંબા સમય સુધી રહીશ, કારણ કે આવી સ્થિતિમાં હું ભારત પરત જવા નથી માંગતો. બધા મારા ખભે ચઢી બેઠા છે અને હું એકલો આ બધું ના કરી શકું.

બીજી તરફ કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને સમગ્ર દેશમાં વાય કેટેગરીની સિક્યોરિટી પૂરી પાડી છે. સીરમના ડિરેક્ટર પ્રકાશકુમાર સિંહે ગત 16 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા પૂરી પાડવાનો આગ્રહ કર્યો હતો.

પોતાના પત્રમાં સિંહે લખ્યું હતું કે, કોરોના વૅક્સિનના સપ્લાયને લઈને વિવિધ લોકો દ્વારા પૂનાવાલાને સતત ધમકીઓ મળી રહી છે. કોરોના સામેની જંગમાં અમે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એકજૂટ થઈને લડી રહ્યાં છે. એવામાં તેમને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે.

પૂનાવાલાએ વધુમાં જણાવ્યું કે, કોલ કરનારા લોકોમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વેપારી મંડળના પ્રમુખો, ઉદ્યોગપતિઓ સહિત અનેક પાવરફૂલ હસ્તિઓ સામેલ છે. આ લોકો ફોન પર કોવિશીલ્ડના તાત્કાલિક સપ્લાયની માંગ કરે છે. હાલના સમયમાં કોરોના મહામારી પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશમાં ફેલાઈ રહી છે. દરેકને લાગે છે કે, તેમને વૅક્સિન મળવી જોઈએ, પરંતુ તેઓ સમજી નથી શકતાં કે, કોઈ બીજાને તેમના પહેલા કેમ વૅક્સિન મળવી જોઈએ?

(11:22 pm IST)