Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

તમામ ખાનગી હોસ્પીટલોનું તાત્કાલિક ફાયર સેફટી ઓડિટ કરોઃ દર્દીની સુરક્ષા સર્વોપરી: મુંબઇ હાઇ કોર્ટ

ખાનગી હોસ્પિટલોમાં આગની ઘટનાની ગંભીર નોંઘ : આવી હોસ્પિટલોને પરવાનગી જ કેવી રીતે આપવામાં આવે છે?

મુંબઇ :દર્દીઓની સુરક્ષા સર્વોપરી છે, એમ નોંધતા મુંબઈ હાઇ કોર્ટે તમામ ખાનગી હોસ્પિટલોનું ફાયર સેફ્ટી ઓડિટ તાત્કાલિક હાથ ધરવાનો રાજ્ય સરકાર અને મહાપાલિકાને નિર્દેશ કર્યો હતો.'થાણે (મુંબ્રામાં)માં વધુ ચાર જણનાં આગમાં જીવ ગયા હતા. આ ફક્ત એક ઘટના નથી', એમ હાઇ કોર્ટે કહ્યું હતું. કોરોના માટેની દવાઓ, બેડ અને ઓક્સિજનની અછત અંગે કરાયેલી જનહિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ઉક્ત બાબત કહી હતી

 .મુંબ્રા આગની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે તાજેતરમાં આ પ્રકારની ઘણી ઘટના બની હતી. ભાંડુ અને વિરારની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી જ્યાં અનુક્રમે ૧૧ અને ૧૦ દર્દીનાં મોત થયા હતા. આ સિવાય નાશિક હોસ્પિટલમાં ઓક્સિજનના લીકેજને કારણે ૨૨ દર્દીનાં મોત થયા હતા.હાઇ કોર્ટે આશ્ર્‌ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે આવી હોસ્પિટલોને પરવાનગી જ કેવી રીતે આપવામાં આવે છે? ત્યારે પાલિકાના વકીલે કહ્યું હતું કે પેન્ડેમિક લાઇસન્સ આપવામાં આવ્યા છે. આ હોસ્પિટલોને કોરોનાના અને અન્ય દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે, કારણ કે એ હાલના સમયની જરૂરિયાત છે.કોર્ટે કહ્યું હતું કે દર્દીઓની સુરક્ષા મહત્ત્વની છે. હવે આ પ્રકારની કોઇ પણ ઘટના બને તેને નજરઅંદાજ ન કરી શકાય. કોર્ટે નોંધ્યું હતું કે હાલમાં જેટલી પણ આગની ઘટના બની છે તે ખાનગી હોસ્પિટલોમાં જ લાગી હતી. તેથી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવું જરૂરી છે.

(8:34 pm IST)