Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબીમાંથી ભેળસેળયુકત નકલી રેમડેસીવીરનું ગુજરાત વ્યાપી જંગી રેકેટ ઝડપાયુ : ૬ની ધરપકડ : પોણા ત્રણ કરોડનો મુદ્દામાલ કબ્જે લેવાયો : હજારો નકલી ઈન્જેકશન ઝડપાયા : મોરબી - સુરત અને અમદાવાદના ૬ શખ્સોની ધરપકડ : ૨ લાપતા : મોરબી પોલીસની અભૂતપૂર્વ કામગીરી

રાજકોટ : રાજકોટ રેન્જના આઈજી શ્રી સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ મોરબીના ડીએસપી સુબોધ ઓડેદરાએ આપેલ સુચનાના આધારે મોરબીના શકિત ચેમ્બર - ૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર - ૩માંથી ઓમ એન્ટીક ઝોન નામની દુકાન ધરાવતા રાહુલ અશ્વિનભાઈ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હિરાણીની ૪૧ નંગ (૧.૯૬ લાખ)ના રેમડેસીવીર ઈન્જેકશનના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ઈન્પેસ્ટકર વી.પી. જાડેજા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથ ધરી હતી.

આ બંનેની પૂછપરછ કરતાં અમદાવાદ જુહાપુરામાં રહેતા આસીફભાઈ પાસેથી રેમડેસીવીર ઈન્જેકશન લઈ આવવાનું કહેલ. તાત્કાલીક એલસીબી મોરબીની એક ટીમ અમદાવાદ દોડી ગયેલ અને જુહાપુરામાં દરોડો પાડતા નકલી રેમડેસીવીરની સપ્લાય કરતા મોહમ્મદ આસીમ ઉર્ફે આસીફ તથા રમીઝ કાદરીના નિવાસસ્થાનેથી ૫૬ લાખની કિંમતના ૧૧૭૦ રેમડેસીવીરનો જથ્થો કબ્જે લીધો હતો.

આ ઉપરાંત સ્થળ ઉપરથી ૧૭ લાખથી વધુ રોકડ કબ્જે લીધી હતી. આ બંનેની પૂછપરછ કરતા આ જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લઈ આવવાનુ તેમણે જણાવેલ. તાત્કાલીક પોલીસની એક ટીમ સુરત દોડી ગયેલ અને બીજી ટીમ અમદાવાદ રોકાઈ ગયેલ. સુરતના ઓલપાડ તાલુકાના પિંજરાદ ગામે ફાર્મ હાઉસમાં આ કૌશલ વોરા ડુપ્લીકેટ રેમડેસીવીર બનાવતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી દરોડો પાડતા કૌશલ મહેન્દ્રભાઈ વોરા અને ભાગીદાર મુંબઈના થાણે નિવાસી પુનિત ગુણવંતલાલ શાહને ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેકશન બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઈન્જેકશનના જથ્થા સાથે બીજા ૫ લોકોને ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધેલ અને ૧૬૦ રેમડેસીવીર કબ્જે લીધેલ. ઈન્જેકશન વેચાણના ૭૪ લાખથી વધુની રોકડ, લેપટોપ, ડીજીટલ વજનકાંટા, રેમડેસીવીર ઈન્જેકશનના ૩૦ હજાર સ્ટીકર, ખાલી બોટલો, બુચ સહિતનો મુદ્દામાલ મોરબી પોલીસે કબ્જે લીધો હતો.

પોલીસે મોરબીના રાહુલ કોટેચા, રવિરાજ હિરાણી ઉપરાંત અમદાવાદના મોહમ્મદ આસીમ ઉર્ફે આસીફ, મોહમ્મદ અબ્બાસભાઈ પટ્ટણી તથા અમદાવાદ જુહાપુરાના રમીઝ સૈયદ હુસૈન કાદરી, આ ઉપરાંત સુરતના કૌશલ મહેન્દ્ર વોરા અને મુંબઈના પુનિત ગુણવંત શાહની ધરપકડ કરી છે. આ ઉપરાંત સિરાજ ખાન ઉર્ફે રાજુ મુસીરખાન પઠાણ (સુરત કતારગામ) અને કલ્પેશ મોહનભાઈ પ્રજાપતિ, ભરૂચ મચ્છીવાડ લાપતા હોય તેની શોધખોળ ચાલુ છે.

પોલીસે ૧.૬૧ કરોડના ૩૩૭૧ નંગ ભેળસેળવાળા નકલી રેમડેસીવીર ઈન્જેકશન, ઈન્જેકશન વેચાણના ૯૦ લાખ રોકડા, ૯ મોબાઈલ, ઈન્જેકશનની ખાલી શીશીઓ (વાયલ) ૬૩૦૦૦ નંગ, શીશીઓને મારવાના બુચ ૬૩૦૦૦, લેપટોપ, ગ્લુકોઝ પાઉડરની બેગો ૪૦, વજનકાંટા ૪, ઈનોવા કાર કબ્જે લીધા છે.  આઈજી શ્રી સંદીપસિંઘે મોરબીના પોલીસ વડા સહિત સૌને અભિનંદન આપ્યા છે.

આ કાર્યવાહીમાં મોરબી એલસીબીના પોલીસ ઈન્સ્પેકટર વી.બી. જાડેજા, સબ ઈન્સ. આર.પી. જાડેજા વાંકાનેર, ઉપરાંત એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, હેડ કોન્સ. સંજયભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, મયુરસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, ચંદ્રકાંતભાઈ વામજા, દશરથસિંહ ચાવડા તથા કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, નંદલાલ વરમોરા, ભરતભાઈ મિયાત્રા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, વિક્રમભાઈ ફગશીયા અને અશોકસિંહ ચુડાસમા જોડાયા હતા. (જયેશ ભટાસણા, ટંકારા દ્વારા)

(5:53 pm IST)