Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મધ્યપ્રદેશના શ્યોપુર જીલ્લાના દલારણા અને રામબડૌદાના ગ્રામજનોઍ કોરોનાથી બચવા ગામની સરહદો સીલ કરી દીધી

ભોપાલ: મધ્ય પ્રદેશના બે ગામડાએ આ કોરોનાકાળમાં અનોખી પહેલ શરૂ કરી છે. રાજ્યના શ્યોપુર જિલ્લામાં બે ગામડાએ દેશમાં કોરોનાના વધતા કેસ જોતા સ્વયંભૂ રીતે ગામને સીલ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

આ ગ્રામીણોએ કસમ ખાધી છે કે હવે તો જ્યારે દેશમાં કોરોના મહામારીનો પ્રભાવ ખતમ થશે ત્યારે જ ઘરમાંથી બહાર નીકળશે. આ બે ગામ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના છે. જેમના નામ છે દલારણા અને રામબડૌદા. આ ગામના રહીશોએ કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે પોત પોતાના ગામની સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ ગ્રામીણોએ કોરોના મહામારી સામે લડવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે.

આ બંને ગામના રહીશોએ પોતાને ઘરોમાં કેદ કરી લીધા છે અને પ્રતિજ્ઞા લીધી છે કે હવે તો જ્યારે દેશમાં હાલાત સામાન્ય થશે ત્યારે જ ઘરોની બહાર નીકળશે. ગ્રામીણોનું તો એવું પણ કહેવું છે કે જો તેમણે કોઈ જરૂરી કામ અર્થે બહાર નીકળવું પણ પડ્યું તો તેઓ ગામની અંદર પર માસ્ક લગાવીને જ નીકળશે અને હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.

આ રીતે કરી છે તૈયારીઓ

બંને ગામના લોકોએ પોતાના ગામની સરહદોને ચારેબાજુથી સીલ કરી દીધી છે. ગ્રામીણોનું કહેવું છે કે અમે નથી ઈચ્છતા કે ગામના કોઈ પણ વ્યક્તિ ઘાતક મહામારીની ઝપેટમાં આવે. તેમણે જણાવ્યું કે બધાએ પોતાના ઘરોમાં ઓછોમાં ઓછું બે મહિનાનું રાશન ભેગું કરી લીધુ છે. ગામમાં જ શાકભાજી ઉગાડવામાં આવે છે એટલે શાકભાજી માટે પણ ગામની બહાર જવું પડશે નહીં.

તેમનું એમ પણ કહેવું છે કે શાકભાજીની અછત થશે તો તેઓ દાળ, છાશ અને બેસનની ચીજોના સહારે પેટ ભરશે. ગ્રામીણોના આ પહેલના આસપાસના વિસ્તારોમાં પણ ખુબ વખાણ થઈ રહ્યા છે.

(5:26 pm IST)