Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રાજકોટમાં આજે ૬૯ મોતઃ બપોર સુધીમાં ૧૪૯ કેસ

ગઇકાલે ૫૭ પૈકી ૧૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીએ રિપોર્ટમાં જણાવ્ય હતુઃ હાલમાં ૪૦૭૫ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૩૩,૬૭૪ થયોઃ આજ દિન સુધીમાં ૨૯,૨૭૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૭.૩૨ ટકા થયો

રાજકોટ તા. ૧: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૬૯નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૪૯ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૩૦ એપ્રિલનાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧મેનાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૯ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૫૭ પૈકી ૧૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૭૨ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૬૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૪૯ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪૯ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૩,૬૭૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૭૧૪૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૨૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૮.૬૯ ટકા થયો  હતો. જયારે ૭૨૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૯,૯૭,૩૩૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૩,૬૭૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૩૬ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૦૭૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:05 pm IST)