Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાની બીજી લહેરે અર્થતંત્રને ભાંગી નાખ્યું

દરેક સેકટર માંદગીના ખાટલે : પ્રોડકશન - સપ્લાયને માઠી અસર : મોંઘવારી ફુંફાડા મારશે

નવી દિલ્હી તા. ૧ : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થયાને હજુ થોડા દિવસ જ થયા છે અને અર્થવ્યવસ્થા બિમાર થવા લાગી છે. આ અસર ગયા વર્ષ કરતા વધારે છે પણ અર્થવ્યવસ્થા બાબતે નાણા મંત્રાલય અથવા નાણા પ્રધાન મૌન છે. ત્રીજું અઠવાડિયું આવતા આવતા દેશના લગભગ દરેક ભાગમાંથી સંપૂર્ણ લોકડાઉન અથવા વિવિધ પ્રકારના પ્રતિબંધોના સમાચારો આવવા લાગ્યા છે.

ફેકટરીઓના ઉત્પાદન પર અસર થવા લાગી છે, મોટા મોટા વ્યાપાર ઉદ્યોગો લોકડાઉન થવા લાગયા છે. જથ્થાબંધ માર્કેટો બંધ કરાઇ રહી છે અને માંડ માંડ થાળે પડેલ રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગ ફરીથી લથડીયા ખાવા લાગ્યો છે.

ભારતીય અર્થવ્યવસ્થાને અત્યારે જ સવા અબજ ડોલરનું નુકસાન થઇ ગયાનો આંકડો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંકે જણાવી દીધો છે. દેશનું ઉત્પાદન અને સેવા સેકટર બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓ અથવા નાણા પ્રધાન દ્વારા પરિસ્થિતિ અંગે કંઇ નથી કહેવાયું પણ નીતિ નિર્ધારણ સાથે સંકળાયેલા અધિકારીઓ જણાવે છે કે કેન્દ્ર સરકાર આર્થિક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. સરકારનો ઇરાદો ગયા વર્ષની જેમ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો નથી પણ ૨૦૨૦ની જેમ કોઇ આર્થિક પેકેજ આપવાની પણ કોઇ યોજના નથી. સહાય માટેની ગણત્રીઓ કરાઇ રહી છે, જે પણ સહાય અપાશે તે જરૂરીયાત મુજબ હશે.

(11:48 am IST)