Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

લોક લોભામણી બની રહી છે યુ ટયુબ મ્યુઝીક એપ

દોઢ કરોડ વાર થઇ ડાઉનલોડ

બેંગ્લોર, તા. ૧ : ગુગલના મુખ્ય અધિકારી સુંદર પિચઇએ કહ્યું કે, માર્ચના મધ્યમાં ભારતમાં શરૂ કરાયેલ યુ ટયુબ મ્યુઝીક એપને દેશભરમાં દોઢ કરોડ વાર ડાઉનલોડ કરી ચૂકાઇ છે. કંપનીના પરિણામો પછી વાતચીત દરમ્યાન પિચઇએ કહ્યું કે, યુ ટયુબ માટે ભારત ઝડપથી વધી રહેલ માર્કેટમાંનું એક છે. આલ્ફાબેટની કંપની ગુલ આ ક્ષેત્રમાં એમેઝોન મ્યુઝીક, સ્પોટીફાઇ અને સ્થાનિક મ્યુઝીક એપ જીયો, સાવન અને ગાના સાથે હરિફાઇ કરી રહી છે અને ભારતમાં મ્યુઝીક સ્ટ્રીમીંગ બજારમાં ઝડપભેર પોતાનો હિસ્સો વધારી રહી છે. ગુગલે માર્ચમાં યુ ટયુબ મ્યુઝીક એપ શરૂ કરી હતી. જેનો મકસદ ઉપયોગ કર્તાઓને વધારે વ્યકિતગત અને સરળતાથી સંગીતની મોજ કરાવવાનો છે. મ્યુઝીક સ્ટ્રીમીંગ સેવામાં ગીત, આલ્બમ, હજારો પ્લેલિસ્ટની સાથે જ રિમીકસ, લાઇવ પર્ફોમન્સ અને મ્યુઝીક વીડીયોનું યુ ટયુબ લીસ્ટ પણ છે.

ઉપયોગ કર્તાઓ જાહેરાત સાથેની યુ ટયુબ મ્યુઝીક એપમાં મફતમાં મ્યુઝીક સાંભળી શકે છે, ઉપરાંત કંપનીએ યુ  ટયુબ મ્યુઝીક પ્રીમીયમ સેવા પણ ચાલુ કરી છે, જેના માટે પેમેન્ટ કરીને સભ્ય બનવું પડે છે. તેમાં ઉપયોગ કર્તા પોતાના ફોન પર કામ કરતા કરતા પણ યુ ટયુબ મ્યુઝીક ચલાવી શકે છે. જોકે જાહેરાત વગરની અને ઓફ લાઇન ડાઉનલોડની સુવિધાવાળી આ સેવા માટે મહીને ૯૯ રૂપિયા ચાર્જ લાગે છે.

યુ ટયુબ મ્યુઝીક અને યુ ટયુબ પ્રીમીયમની શરૂઆત ર૦૧૮માં પાંચ દેશોમાં કરાઇ હતી, હવે તે ૪૩ દેશોમાં ઉપલબ્ધ છે. ગુગલે કહ્યું કે યુ ટયુબનો વિજ્ઞાપન કારોબાર બંન્ને બ્રાંડમાં વધી રહ્યો છે. ભારત વીડીયો અને ઓડીયો સ્ટ્રીમીંગ સેવા કંપનીઓ માટે મોટુ બજાર બની રહ્યું છે. સિસ્કોના રિપોર્ટ અનુસાર ભારતમાં સ્માર્ટ ફોન વપરાશકર્તાઓની સંખ્યા ર૦રરમાં ૮ર.૯ કરોડે પહોંચવાનું અનુમાન છે, જે ર૦૧૭માં ૪૦.૪૧ કરોડ હતા. આ કારણે ઓડીયો-વીડીયો સ્ટ્રીમીંગનું બજાર અહીં ઝડપભેર વધી રહ્યું છે.

(3:37 pm IST)