Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

રાફેલ : ચોથી મે સુધી જવાબ આપવા માટે સરકારને હુકમ

કેન્દ્ર સરકારને વધારે સમય આપવા માટેનો ઇન્કાર : રાફેલ ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ ઉપર ચોથી મે સુધી જવાબ આપવા કેન્દ્ર સરકારને હુકમ કરાયો

નવીદિલ્હી, તા. ૩૦ : સુપ્રીમ કોર્ટે રાફેલ ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ ઉપર ચોથી મે સુધી જવાબ દાખલ કરવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં તેના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવ્યા બાદ આ મામલો પણ હજુ પણ ગરમ રહે તેવી શક્યતા છે. ગયા ડિસેમ્બર મહિનામાં પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો મેળવવા ભારતની સોદાબાજીને પડકાર ફેંકતી અરજીઓને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કેન્દ્રની અરજીને સ્વીકારી નથી જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ અરજીનો જવાબ આપવા માટે ચાર સપ્તાહની મહેતલ આપવામાં આવે. ચોથી મે સુધી જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. શનિવાર સુધી કેન્દ્ર સરકારને જવાબ આપી દેવો પડશે. આ બેંચમાં જસ્ટિસ એસકે કોલ અને કેએમ જોસેફ પણ સામેલ હતા. અરજીઓ ઉપર સુનાવણી માટે ૬ઠ્ઠી મેની તારીખ નક્કી કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ  શૌરી, યશવંતસિંહા અને વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી.

આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાફેલ ડિલને ક્લિનચીટ આપી દીધી હતી. આ ત્રિપુટી ઉપરાંત એએપીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ તરફથી કેસમાં અલગ સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની પ્રાપ્તિમાં નિર્ણય લેતી પ્રક્રિયામાં કોઇપણ શંકા નથી. સુપ્રીમ કોર્ટે ૫૮૦૦૦ કરોડ રૂપિયાની કહેવાતી ગેરરીતિનામામલામાં તપાસ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી.

(12:00 am IST)