Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

સારા, વિક્રાંત અને ચિત્રાંગદાની થ્રિલર ફિલ્મ ગેસલાઈટનો ક્લાઈમેક્સ નબળો

ગેસલાઈટ ફિલ્‍મ રિવ્‍યૂ : ચુલબુલી છોકરીના રોલમાં દેખાયેલી સારા અહીં થોડા ગંભીર રોલમાં છે

મુંબઇ,તા. ૧ : સારા અલી ખાન, વિક્રાંત મેસ્‍સી અને ચિત્રાંગદા સિંહ સ્‍ટારર ફિલ્‍મ ‘ગેસલાઇટ' ઓટીટી પ્‍લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ૩૧ માર્ચે રિલીઝ થયેલી આ થ્રિલર ફિલ્‍મ છે. સારા અલી ખાન ફિલ્‍મમાં મીશાનું પાત્ર ભજવી રહી છે. વ્‍હીલચેર પર ફરતી મીશા મોરબીમાં આવેલા પોતાના મહેલ માયાગઢમાં પાછી આવી છે અને તેને ખબર પડે છે કે તેના પિતા ગુમ છે. મીશાને શંકા છે કે તેના પિતાના ગુમ થવા પાછળ કોઈ ભેદ રહેલો છે. તો બીજી તરફ તેની સાવકી માતાને લાગે છે મીશાને જાતજાતના આભાસ થઈ રહ્યા છે.

ફિલ્‍મમાં મીશાના ભૂતકાળ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્‍યો નથી. ફક્‍ત એટલું જ બતાવાયું છે કે, મીશાનો અકસ્‍માત થયો હતો જેમાં તે બચી ગઈ પરંતુ પોતાના પગ પર ઊભી ના થઈ શકી અને તેની માતાએ આત્‍મહત્‍યા કરી લીધી. ફિલ્‍મમાં ચિત્રાંગદા સિંહ સારા અલી ખાન એટલે કે મીશાની સાવકી માતાના રોલમાં છે. મીશા મહેલમાં પાછી આવે છે ત્‍યારે તેને અહીં પેરાનોર્મલ એક્‍ટિવિટીઝ હોવાની એટલે કે ભૂત-પ્રેત હોવાની અનુભૂતિ થાય છે. મીશાને ડર છે કે, તેના પિતાની હત્‍યા કરી દેવાઈ છે. આ શાહી પરિવારનું રહસ્‍ય કેટલું ઊંડું છે અને શું મીશા તેનો ભેદ ઉકેલી શકશે?

પવન ક્રિપલાનીના નિર્દેશનમાં બનેલી આ મિસ્‍ટ્રી ફિલ્‍મ તમને સ્‍મશાનવત્‌ શાંતિ અને રસપ્રદ વળાંકોમાં લઈ જશે. ફિલ્‍મમાં સાઉન્‍ડ ઈફેક્‍ટ ખૂબ સારી આપવામાં આવી છે. લાકડાના ફલોર પર પગલાનો અવાજ હોય કે દરવાજાનો કીચૂડ કીચૂડ અવાજ, પુસ્‍તકો બંધ કરવાનો, પાના ફેરવવાનો અવાજ તમને ભયાવહ માહોલની અનુભૂતિ કરાવે છે. આછા અજવાળામાં પ્રકાશિત મહેલ અને ત્‍યાંના ખાલી રૂમ એક અલગ જ છબિ ઊભી કરે છે. ફિલ્‍મમાં ઉદાસીનતાનો માહોલ પણ જોવા મળે છે. મોટાભાગની ભારતીય થ્રિલરમાં ઘોંઘાટ જોવા મળે છે પરંતુ અહીં તેનાથી વિપરીત શાંત વાતાવરણ દેખાશે.

ભૂતિયા મહેલ, એકલી છોકરી, ચાલાક પરિવાર અને દટાયેલું રહસ્‍ય....‘ગેસલાઇટ' એ બધા જ તત્‍વો છે જે થ્રિલર ફિલ્‍મને રસપ્રદ બનાવવા માટે હોવા જોઈએ અને ઘણાં ખરાં અંશે તે ફિલ્‍મને સફળ પણ બનાવે છે. જોકે, ફિલ્‍મનો ક્‍લાઈમેક્‍સ નિરાશાજનક છે, જે પ્‍લોટને મારી નાખે છે. ફિલ્‍મની વાર્તા જકડી રાખે છે અને એક પછી એક કડીઓ જોડાતી જાય છે પરંતુ ક્‍લાઈમેક્‍સ આવે ત્‍યાં સુધીમાં રહસ્‍ય જળવાઈ રહેતું નથી. એક સમય પછી ફિલ્‍મની વાર્તા અતાર્કિક લાગે છે અને રસ ઓછો થતો લાગે છે. એક પોઈન્‍ટ પછી તમને ખબર પડી જશે કે ફિલ્‍મનો અંત શું હશે.

સામાન્‍ય રીતે જોશીલી યુવતીના રોલમાં જોવા મળેલી સારા અલી ખાન અહીં થોડી ઉદાસીન યુવતીના રોલમાં દેખાય છે. જે પાત્રને અનુરૂપ છે. વિક્રાંત મેસ્‍સીનું પાત્ર બીબાઢાળીયું લાગે છે. તેના પાત્રને વધુ સારી રીતે લખી શકાયું હોત. ચિત્રાંગદા અહીં તેના પાત્રને ન્‍યાય આપે છે. રાહુલ દેવ અને અક્ષય ઓબેરોયે પણ પાત્ર સાથે બરાબર ન્‍યાય કર્યો છે.

છેવટે ધારી શકાય તેવી ફિલ્‍મ બની જતી હોવા છતાં ફિલ્‍મમાં થ્રીલ છે. જો તમને થ્રિલર મૂવીઝ જોવી ગમતી હોય તો તમે ‘ગેસલાઇટ' એક તક આપી શકો છો.

(11:32 am IST)