Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સરકારથી ભુલ થઇ ગઇ : વ્યાજદર ઘટાડાનો નિર્ણય રદ

સરકારનું 'અભી બોલા અભી ફોક': ગઇકાલે નાની બચતો પર મળતા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી તો આજે સવારે નિર્ણય પરત લીધો : ભુલથી આદેશ જારી થઇ ગયો હોવાનું જણાવતા નિર્મલા સીતારામનઃ હવે અગાઉની જેમ જ PPF સહિતના પર વ્યાજ મળતું રહેશે

નવી દિલ્હી, તા.૧: નાની બચત  યોજનાઓ પર વ્યાજદર દ્યટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે. સરકારની આ જાહેરાતથી પીપીએફ, NSC સુકન્યા, સીનીયર સીટીઝન, સેવિંગ સ્કીમ, કિસાન વિકાસ પત્રમાં અગાઉની જેમ વ્યાજ મળતુ રહેશે. સરકારે કહયુ છે કે ભુલથી વ્યાજ દરો ઘટાડવાનો આદેશ જારી થઇ ગયો હતો જે હવે પરત લેવામાં આવે છે. એવું જણાય છે કે સરકારે ચૂંટણીના ડરને કારણે નિર્ણય પરત ખેંચ્યો છે.

સરકારે ૩૧ માર્ચના રોજ PPF, સુકન્યા સમૃદ્ઘિ જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજદર પર ઘટાડાની જાહેરાત કરી હતી અને આજે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટથી આપી. નાણામંત્રીએ લખ્યું કે ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજદર એ જ રીતે મળતું રહેશે જે ૨૦૨૦-૨૧ના છેલ્લા ત્રિમાસિકમાં મળતું હતું. એટલે કે માર્ચ ૨૦૨૧ સુધી જે વ્યાજદર મળતું હતું તે જ રીતે વ્યાજ મળતું રહેશે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે.

અત્રે જણાવવાનું કે ભારત સરકારના નાણા મંત્રાલયે (Finance Ministry) ગઈ કાલે વિવિધ બચત યોજનાઓ પર વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી હતી. જે મુજબ આ આદેશ ઓછા સમયના બચત ખાતા પર લાગૂ થવાનો હતો. નવા આદેશ પ્રમાણે વાર્ષિક ૪%ની જગ્યાએ ૩.૫% ના દરથી વ્યાજ મળવાની જોગવાઈ હતી. આ વિશે નાણામંત્રાલયે નોટ જારી કરી હતી. આ જાહેરાતની અસર પીપીએફ બચત ખાતા, કિસાન બચત યોજના અને સુકન્યા સમૃદ્ઘિ યોજના ખાતા ધારકો પર પણ પડવાની હતી. સરકારે તેના વ્યાજદરમાં પણ ઘટાડાની જાહેરાત કરી હતી. સરકારના આ આદેશ પ્રમાણે વરિષ્ઠ નાગરિકોને મળવાપાત્ર વ્યાજદરમાં પણ દ્યટાડો કરવામાં આવ્યો હતો. જે મુજબ પહેલા ૭.૪ ટકાના વ્યાજદરથી વ્યાજ મળતું હતું, પણ હવે તેને ૬.૫ ટકાના દરે વ્યાજ મળત.

ચો તરફા વિરોધ બાદ અંતે મોદી સરકારે પોતાના નિર્ણય પર યુ-ટર્ન લઇ લીધો છે. જણાવી દઇએ કે, સામાન્ય નાગરિકને રાહત આપતા કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે. બચત યોજનાઓમાં વ્યાજ દરમાં દ્યટાડાની જાહેરાત સરકારે પાછી ખેંચી લીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી હતી. કરોડો લોકો માટે આ મોટી રાહતનાં સમાચાર છે. જણાવી દઇએ કે, આ પહેલા બુધવારે સરકારે ૧ એપ્રિલ, ૨૦૨૧ થી નાની બચત યોજનાઓ પરનાં વ્યાજનાં દરમાં ઘટાડો કર્યો હતો. નવા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વ્યાજ દરમાં ઘટાડાની આ સૂચના જારી કરવામાં આવી હતી. નાણાં પ્રધાને કહ્યું હતું કે, હવે તમામ યોજનાઓ પરનો વ્યાજ દર તે જ રહેશે જેમ ગયા માર્ચ કવાર્ટરમાં હતો.

બચત ખાતામાં જમા રાશિ પરનું વાર્ષિક વ્યાજ ૪ ટકાથી દ્યટાડીને ૩.૫ ટકા કરવામાં આવ્યુ હતુ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર અત્યાર સુધી ૭.૧ ટકા વાર્ષિક વ્યાજને દ્યટાડીને ૬.૪ ટકા કરાયું હતુ. એક વર્ષ માટે જમા રાશિ પર ત્રિમાસિક વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરાયુ હતો. વળી વૃદ્ઘોને બચત યોજનાઓ પર ૭.૪ ટકાને બદલે ફકત ૬.૫ ટકા જ ત્રિમાસિક વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એક વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પર ૫.૫ ટકાને બદલે ૪.૪ ટકા વ્યાજ, હવે ૨ વર્ષ માટે જમા રાશિ પર ૫.૫ ટકાને બદલે ૫ ટકા, ૩ વર્ષ માટે થાપણો પર ૫.૫ ટકાને બદલે ૫.૧ ટકા, ૫ વર્ષ માટે થાપણો પર ૬.૭ ટકાની જગ્યાએ ૫.૮ ટકા વ્યાજ કરી દેવામા આવ્યુ હતુ. નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ પર ૬.૮ ટકાને બદલે માત્ર ૫.૯ ટકા વ્યાજ, કિસાન વિકાસ પત્ર પર ૬.૯ ટકાનાં વ્યાજની જગ્યાએ ૬.૪ ટકા વ્યાજ અને સુકન્યા સમૃદ્ઘિ યોજના પર પણ વ્યાજ દર ૭.૬ ટકાથી દ્યટાડીને ૬.૯ ટકા કરાયો હતો. હવે જૂનાં દર કે જે ૩૧ માર્ચ ૨૦૨૧ નાં   હતા તે ધ્યાનમાં લેવામાં આવશે.

(10:16 am IST)