Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકામાં રહેતા ભારતીયોની નોકરી પર સંકટના વાદળો

નવી દિલ્હી, તા.૧: વિદેશી આઈટી પ્રોફેશનલોએ ટ્રમ્પ પ્રશાસને આગ્રહ કર્યો છે કે, તેમને ૬૦ દિવસને બદલે ૧૮૦ દિવસ સુધી અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી આપે. કોરોનાવાઈરસને કારણે અમેરિકામાં મોટાપ્રમાણમાં છટણીની સ્થિતિ ઉભી થાય તેવી ભીતી છે. આ પ્રોફેશનલોમા મોટાભાગના ભારતીય એચ-૧બી વીઝાધારકો છે. એચ-૧બી એક નોન-પ્રવાસી વીઝા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી સ્કિલ્ડ વર્કરોને અમુક ખાસ વ્યવસાયોમાં નિયુકત કરવાની મંજૂરી આપે છે. ભારતીય આઈટી પ્રોફેશનલોની આમાં સૌથી વધુ માંગ છે.

વર્તમાન નિયમો અનુસાર નોકરી છોડવાના ૬૦ દિવસની અંદર આ વીઝાધારકોએ તેમના પરિવાર સાથે અમેરિકા છોડવું જરૂરી છે. કોરોના વાઈરસ મહામારીને પગલે અમેરિકન અર્થવ્યવસ્થાના જૂદા જૂદા ક્ષેત્રોમાં મોટા પ્રમાણ પર છટણીની આશંકા છે અને આવનારા મહિનામાં સ્થિતિ વધુ વણસી શકે છે. અમેરિકામાં ૨૧ માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ૩૩ લાખ અમેરિકનોએ પ્રારંભિક બેરોજગારીનો દાવો કર્યો છે. દેશમાં લાખો લોકો તેમની નોકરી ગુમાવી ચૂકયા છે.

એક અનુમાન અનુસાર લગભગ ૪.૭ કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે. આ એચ-૧બી વીઝાધારકો ન તો બેરોજગારીનો લાભ મેળવવા પાત્ર છે કે ન તો સામાજિક સુરક્ષા લાભના હકદાર. પ્રાથમિક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં એચ-૧બી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે. તો કેટલાક કર્મચારીઓને અગાઉથી જ આ અંગે ચેતવી દેવામાં આવ્યા હતા કે તેમની નોકરી જઈ શકે છે.

આ સ્થિતિમાં એચ-૧બી વીઝાધારકોએ નોકરી છોડયા પછી અમેરિકામાં તેમના પ્રવાસના સમયને વધારવા માટે વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર એક અરજી અભિયાન શરુ કર્યું છે. અરજીમાં સરકાર પાસે અસ્થાયી પ્રવાસની અવધિને ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવા અને આ વિપરીત સમયમાં એચ-૧બી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મહત્વનું છે કે, વ્હાઈટ હાઉસની પ્રતિક્રિયા મેળવવા માટે ઓછામાં ઓછી એક લાખ અરજીઓની જરૂર હોય છે.

(3:42 pm IST)