Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બિહારમાં કોરોના વાયરસના કારણે ખૂન

પ્રવાસી મજૂરોએ પોલીસને માહિતી આપનારને મારી નાખ્યોઃ બેની ધરપકડ

પટણા,તા.૧: મહારાષ્ટ્રથી બિહારમાં પોતાના ગામડે આવેલા બે કુટુંબોની માહિતી પ્રશાસનને આપનાર વ્યકિતની સોમવારે હત્યા કરવામાં આવી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. આ બંને કુટુંબોને કવોરન્ટાઇનમાં રખાયા હતા.

બબલુ કુમાર (૨૪) નામનો આ  મૃતક શખ્સ પણ મહારાષ્ટ્રના પૂણેમાં કામ કરતો હતો અને બે મહિના પહેલા બિહારના સીતા મઢી જીલ્લામાં આવેલ પોતાના ગામ મધૌલમાં પાછો ફર્યો હતો. બબલુના ભાઇ ગુડ્ડના કહેવા અનુસાર બબલુએ મુન્ના મહતો અને સુધીર કુમારના મહારાષ્ટ્રથી પાછા આવ્યાની જાણ સરકારી અધિકારીઓને કરી હતી. ગુડુએ કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ આ બન્ને પરિવારોને ટેસ્ટ માટે લઇ ગઇ હતી અને હોમ કવોરન્ટાઇનમાં રહેવાની સલાહ સાથે તેમને ૨૫ માર્ચે છોડી દેવાયા હતા. તેણે કહ્યું કે સોમવારે કુમાર પર હુમલો કરાયો હતો. તેને મુઝફફર પુરની હોસ્પીટલમાં લઇ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

પોલીસે થાગા મહતો, સુધીર કુમાર, વિકાસ મહતો, મદન મહતો, દિપક કુમાર અને મુન્ના મહતો પર ગુડ્ડના બયાનના આધારે ખુનનો ગુનો નોંધ્યો છે. જો કે વિશેષ પોલીસ મહાનિર્દેશક જીતેન્દ્ર કુમારે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ખૂન જૂની અદાવતના કારણે થયું હોવાનું લાગી રહ્યું છે.

(3:41 pm IST)