Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જમ્મુ-કાશ્મીરમાં ૬૦ હજાર પરપ્રાંતીય મજુરોની દયનીય હાલત

કટરામાં ફસાયેલા વૈષ્ણોદેવીના યાત્રાળુઓની મદદ માટે શ્રાઈન બોર્ડને હાઈકોર્ટનો હુકમ

જમ્મુ, તા. ૧ :. જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ છે. તેના પરિણામે ૬૦,૦૦૦થી વધુ પરપ્રાંતીય મજુરો ફસાયા છે. આ પૈકીના સંખ્યાબંધ મજુરોને માલિકો ઘર ખાલી કરવા ધમકી આપી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક હપ્તાઓથી કટરામાં ફસાયેલા વૈષ્ણોદેવીના ૪૦૦ જેટલા યાત્રાળુઓની જમવાની વ્યવસ્થા કરવા હાઈકોર્ટે શ્રાઈન બોર્ડને હુકમ કર્યો છે અને ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરવા કહ્યુ છે.  રોજીરોટી માટે જમ્મુ-કાશ્મીરમાં આવેલા બીજા રાજ્યોના લોકોએ પોતાને ઘર પાછા મોકલવાની સરકારી તંત્ર પાસે માંગણી કરી છે. આવા મજુરો કામધંધા બંધ થવાને કારણે પૈસાની તકલીફ અનુભવી રહ્યા છે. આવા શ્રમિકોની સંખ્યા ૬૦,૦૦૦થી વધુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.  આજે ઘણા બધા લોકો પોતાના સામાન સાથે જમ્મુ રેલ્વે સ્ટેેશન પહોંચ્યા હતા જ્યાં તેઓ ગોડાઉન પાસે એકઠા થયા હતા. તંત્ર સમક્ષ હાથ જોડીને તેઓ તેમને ઘરે મોકલવા વિનંતી કરતા હતા. તેમની પાસે ખાવા-પીવાની વ્યવસ્થા પણ ન હતી. લોકડાઉનના હુકમને માથે ચડાવવા છતા તેઓની તકલીફ વધી ગઈ છે. ફસાયેલા યાત્રાળુઓ જુદા જુદા ધાર્મિક મંદિરો અને ધર્મશાળાઓમાં રહ્યા છે તેમને ૧૪ એપ્રિલ પછી જ અહીંથી નિકળવાનો રસ્તો દેખાય રહ્યો છે.

(3:39 pm IST)