Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

માસ્ક અને લોકડાઉનના કડક અમલથી જ અમને કોરોનાથી છુટકારો મળ્યો : ચીને આપવીતી વર્ણવી

દિલ્હી : જયાં કોરોના સંક્રમણની ચિંતા સૌથી પહેલા સર્જાઇ હતી તેવા ચીને આ સ્થિતી પર કઇ રીતે કાબુ મેળવ્યો તેનું રહસ્ય જાહેર કરતા જણાવેલ છે કે માસ્ક અને લોકડાઉનનો કડક અમલ જ અમારા માટે કારગત નિવડયો છે.

ચીનના સેંટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મહાનિર્દેશક જોર્જ ગાવએ જણાવ્યુ છે કે આ મહામારીને નિયંત્રિત કરવા માટે અમે સૌથી પહેલા સોશ્યલ ડીસ્ટન્સ પર ભાર મુકયો. એક રણનીતી ઘડી અને જયાં લોક સમુદાય ઉમટતા હોય ત્યાં સામાજીક દુરી રાખવા અપીલો થઇ.

કોરોના સંક્રમિત જાહેર થયા તેઓને અલગ પાડયા અને તેમને એકાંતમાં રાખવાનું શરૂ કર્યુ. લોકોની અવર જવર ઉપર પાબંધી મુકી દીધી. કોરોના પીડીત દર્દીના સંપર્કમાં  આવ્યા હોય કે સમાજ સેવા કરતા હોય તે બધા લોકોને સતર્ક કરવામાં આવ્યા.

સૌથી મહત્વની વાત માસ્કની ગણાવી છે. તેમણે જણાવ્યુ છે કે અમેરીકા અને યુરોપ જેવા દેશો માસ્ક નહીં પહેરવાની જે ભુલ કરી રહ્યા છે તે ભારે પડી શકે છે. કોરોના વાઇરસથી બચાવ કરવા માસ્ક પહેરવું અત્યંત આવશ્યક હોવાનું તેમણે ભાર પૂર્વક જણાવેલ છે.

આ વાત સમજાવતા કહેલ કે કોરોના સંક્રમિત વ્યકિત જયારે કઇ પણ બોલે છે ત્યારે તેના મોં માંથી લાળના છે છાંટા ઉડે છે તેના દ્વારા ચેપ ફેલાવાની પુરતી સંભાવના રહે છે. એટલે જ અમે માસ્ક પહેરવા ફરજીયાત બનાવી દીધા હતા.

ઉપરાંત દર્દીના ટેમ્પરેચરની તપાસ પણ મહત્વની બની રહે છે. જે લોકોનું શારીરીક તાપમાન વધુ જણાય તેમને અમે અલગ પાડી દીધા. પછી તેમને કોરોનાની અસર છે કે કેમ તેની તપાસ આરંભી હતી.

જોર્જ ગાવએ એ વાત પણ જણાવેલ કે વુહાનની સી-ફુડ બજાર કોરોના વાયરસની ઉત્પતિનું કેન્દ્ર બની રહ્યુ તે મુદ્દે સંશોધન થઇ શકે પણ અમને છેક નવેમ્બરમાં આ વાતની ખબર પડી હતી.ં ચીનના વિજ્ઞાનીકોને જાણ થઇ તેની પહેલા તો વોલ સ્ટ્રીટ જર્નલના માધ્યમથી આ વાત બહાર આવી ચુકી હતી. વોલ સ્ટ્રીટે લગાવેલ અનુમાન એકદમ સાચુ હતુ. જો કે અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ વાત જાહેર કરી અને વોલ સ્ટ્રીટે જાણકારી આપી તે સમય વચ્ચે બહુ થોડો તફાવત જોવા મળ્યો છે.

(3:36 pm IST)