Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દોઢ કરોડથી ઓછું ટર્નઓવર હોય તો SMSથી રિટર્ન ભરી શકાશે

જીએસટીના નિયમોમાં આજથી ફેરફાર

નવી દિલ્હી તા. ૧: આજથી ટર્નઓવર પ્રમાણે વેપારીઓને રિટર્ન ભરવામાં રાહત મળવાનું શરૂ થયું છે. જીએસટીના રિટર્નમાં રૂ. પાંચ કરોડ સુધીનું ટર્નઓવર કરતાં વેપારીઓને આજથી હવે દર મહિને જીએસટીઆર ૧ અને ૩ બીમાંથી મુકિત મળશે. તેની જગ્યાએ સુગમ અને સહજ નામનાં બે ફોર્મ ભરી ફકત ખરીદ-વેચાણની માહિતી સાથે ભરીને રિટર્ન ભરી શકશે.

વેપારીએ જીએસટીઆર ૧ અને ૩બીની જગ્યાએ હવે જીએસટી આરઇટી ૧,ર અને ૩ ભરવાનું રહેશે. ઉદ્યોગકારો પાંચ કરોડ સુધીનું ટર્નઓવર કરે છે અને બી ટુ બી વેપાર કરે છે. તેમણે જીએસટી આરઇટી ૩ ભરવાનું રહેશે. જેને સુગમ નામ આપવામાં આવ્યું છે. જે વેપારીઓ બી ટુ બીની સાથે બી ટુ સીનો વેપાર પણ કરે છે. તેમણે જીએસટી આરઇટી ર ફોર્મ ભરવું પડશે. આ ફોર્મને સહજ નામ આપવામાં આવ્યું છે.

જે લોકો દર મહિને જીએસટી રિટર્ન ભરવા માંગે છે. તેમણે જીએસટી આરઇટી ૧ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં ખરીદ-વેચાણના બે બોકસ તૈયાર કરવામાં આવ્યાં છે. ફોર્મમાં હવે ઉદ્યોગકારોએ ફકત તેમના ખરીદ અને વેચાણના આંકડા ભરવાના રહેશે.

ચોકકસ ડેટા હશે તો જ સિસ્ટમ સ્વીકાર કરશે અને ડેટા એકયુરેટ નહીં હોય તો તેના સંબંધિત બિલ કે ડેટા નાંખવાના રહેશે. રૂ. ૧.પ કરોડ સુધીનું ટર્નઓવર કરતાં નાના વેપારીઓ હવે એસએમએસથી પણ રિટર્ન ભરી શકશે તે માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જોકે રિટર્ન ભરવામાં સરળીકરણ કરી આપવા છતાં વેપારીઓએ ટેકસની ચુકવણી તો દર મહિને કરવી પડશે. હવેથી રૂ. પ કરોડનું વાર્ષિક ટર્નઓવર અને અગાઉના નાણાકીય વર્ષમાં એનાથી વધારે ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જીએસટીઆર-૩બી ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ મહિનાની ર૦મી હશે.

(3:34 pm IST)