Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

વૈજ્ઞાનિકોની ચેતવણી

એપ્રિલના અંત સુધીમાં ચીનમાં ફરી કોરોનાનો હુમલો થશે

નવી દિલ્હી, તા. ૧ :. ચીનમાં કોરોના વાયરસની અસર ઓછી થવા લાગી છે. લોકડાઉન પણ હટાવાઈ રહ્યુ છે. ૬૦ દિવસ બાદ પ્રતિબંધો દૂર રહ્યા છે પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો સમક્ષ મોટો પડકાર છે. આ પડકાર છે કોરોના વાયરસના ફરી હુમલાનો.

સાયન્સ મેગેઝીન નેચરે હોંગકોંગ યુનિ.ના મહામારી નિષ્ણાંત બેલ કાઉલીંગના હવાલાથી લખ્યુ છે કે આ સમય લોકડાઉનથી મુકિત અને થોડો આરામ કરવાનો છે પરંતુ એ વાત નક્કી છે કે કોરોના વાયરસની બીજી લહેર ફરીથી આવશે અને શંકા છે કે આ લહેર આ મહિનાના અંતમાં ચીનને ફરી ઘેરી લેશે.  તેમણે કહ્યુ છે કે, કોરોના વાયરસ હુબેઈ પ્રાંતના વુહાનથી નિકળી ચીન અને પછી યુરોપ અને પછી અમેરિકા સુધી ફેલાય ગયો છે.

વૈજ્ઞાનિકે કહ્યુ છે કે યુરોપના ઈલાજના તરીકાથી લાગે છે કે તેઓને લગભગ બે વર્ષ સુધી કોરોના દર્દીઓને બાકીના લોકોથી અલગ રાખવા પડશે તો જ આ દેશ પોતાના લોકોને બચાવી શકશે. તેમણે કહ્યુ છે કે ચીને ફરીથી ટેસ્ટીંગ કરાવવુ પડશે કે જેથી ખબર પડે કે કેટલા લોકો વાયરસનો ભોગ બન્યા છે, કેટલા લોકો ઠીક થયા છે ?  હોંગકોંગ યુનિ.ના જ સંશોધનકર્તા ગેબરીએલ લીઉંગના કહેવા મુજબ ચીનમાં બધુ સામાન્ય થઈ ગયુ છે. લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે તેવામાં એ લોકો જો કોરોના વાયરસથી હળવા બીમાર થયા છે તેમના કારણે બિમારી ફરીથી હુમલો કરી શકે છે. હુબેઈમાં ૬ કરોડ લોકો છે ત્યાં હજુ સામાન્ય સ્થિતિ નથી. લોકો ધીમે ધીમે કામે જાય છે. વુહાનમાં ૮ એપ્રિલે લોકડાઉન હટશે. તત્કાલ જરૂર પડશે બધા લોકોની તપાસની. જો તુર્ત તપાસ નહિ થાય તો એપ્રિલના અંતમાં ફરી કોરોના વાયરસ ત્રાટકશે. જો કે તેમણે કહ્યુ છે કે જેટલા લોકો વાયરસથી સંક્રમિત થયા હતા આમાથી ૫૦ થી ૭૦ ટકા લોકો હવે કોરોના વાયરસથી ઈમ્યુન થઈ ચૂકયા છે એટલે કે તેઓ કોરોનાનો સામનો કરી શકશે. વુહાનમાં માત્ર ૧૦ ટકા લોકો જ ઈમ્યુન થયા છે હજારો લોકો એવા છે જેમને કોરોના ફરી થઈ શકે છે. વેકસીન આવતા ૧ વર્ષ લાગી જશે.

(11:46 am IST)