Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટમાં કોરોનાના શંકાસ્પદનું પ્રથમ મૃત્યુઃ વાંકાનેરના વૃદ્ધનો ભોગ

૬૫ વર્ષ વૃદ્ધને ગઈકાલે દાખલ કરાયેલા, કોરોનાનો રીપોર્ટ આવે તે પહેલા અંતિમ શ્વાસ લીધાઃ બી.પી.-ડાયાબીટીસ હતા : મૃતદેહ પર રાસાયણિક પ્રક્રિયા બાદ અંતિમવિધિ માટે માત્ર ૫ લોકોને જ પરવાનગીઃ રાજકોટમાં વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧ :. વાંકાનેરમાં રહેતા ૬૫ વર્ષના મુસ્લિમ વૃદ્ધનું શંકાસ્પદ 'કોરોના'થી રાજકોટની સીવીલ હોસ્પીટલમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે તેમનો રીપોર્ટ આવવાનો બાકી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લાના વાંકાનેરમાં સરકારી હોસ્પીટલ પાછળ રહેતા ૬૫ વર્ષના યાસીનભાઈ મહમદભાઈ નાગોરીને એક-બે દિવસથી તાવ, શરદી, ઉધરસ થયા હતા અને વધુ તબીયત લથડતા તેમને રાજકોટની સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ સીવીલ હોસ્પીટલમાં તેમના 'કોેરોના'ના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમના સેમ્પલ લેવાયા બાદ રીપોર્ટ આવે તે પહેલા જ મુસ્લિમ પ્રૌઢનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક યાસીનભાઈ મહમદભાઈ નાગોરી (ઉ.વ. ૬૫) સરકારી હોસ્પીટલ પાછળ રહે છે અને તેમને સંતાનમાં એક પુત્ર છે. પાંચ સભ્યોનો પરિવાર છે.

મૃતક યાસીનભાઈ નાગોરી છેલ્લા ઘણા સમયથી વાંકાનેરમાં જ હતા. કોઈ પણ જગ્યાએ બહાર ગયા ન હતા.

મૃતકની અંતિમવિધિ વાંકાનેરમાં કરવામાં આવશે.

રાજકોટની સિવીલ હોસ્પીટલમાં 'કોરોના'ના શંકાસ્પદ કેસમાં પૌઢનું મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મૃતકના પરિવારજનોનું પણ આરોગ્ય ટીમો દ્વારા ચકાસવામાં આવ્યુ હતુ અને આસપાસના વિસ્તારોનું પણ નિરીક્ષણ કરાયુ હતું.

વાંકાનેરના વૃદ્ધને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે ગઈકાલે દાખલ કરાયેલ. તેમને બીપી, ડાયાબીટીસ જેવી અન્ય બિમારી પણ હતી તેમ જાણવા મળે છે. તેમનો કોરોનાનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે. રીપોર્ટ આવતા પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

કોરોનાની શંકા હોવાથી તેમના મૃતદેહને રાસાયણિક પ્રક્રિયાયુકત કરવામાં આવેલ છે. અંતિમવિધિ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી કરવામાં આવશે. પરિવારના માત્ર ૫ સભ્યો જ અંતિમવિધિમાં હાજરી આપવા પાત્ર છે. સ્વ.ના મૃતદેહને કોઈ સ્પર્શે નહિ તેની તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવશે.

આજે રાજકોટ હોસ્પીટલ દ્વારા વધુ ૧૨ દર્દીઓને શંકાસ્પદ તરીકે હોસ્પીટલમાં ખસેડી સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

(11:41 am IST)