Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાનો ગભરાટ છતાં લોકોને મોદી સરકાર પર વિશ્વાસ

આઇએનએસ સી વોટરના સર્વેનું તારણ : ૨૨ ટકાને ભય છે કે તેમનો પરિવાર કોરોનાની ઝપટે ચડી શકે છે

નવી દિલ્હી તા. ૧ : દેશમાં લગભગ ૨૨ ટકા લોકો એવા છે જેમને એવો ડર છે કે તે અથવા તેમના પરિવારજનો કોરોનાની ઝપટમાં આવી શકે છે. આઇએએમએસ - સી વોટર દ્વારા આ બાબતે કરાયેલા બીજા સર્વેમાં આ વાત સામે આવી છે. ૨૩ માર્ચ સુધીમાં કરાયેલ સર્વેની સરખામણીમાં ૨૯ માર્ચે થયેલા સર્વેમાં એ વાત બહાર આવી છે કે લોકોમાં ગભરાટ વધ્યો છે. આ સર્વેમાં ૧૧૮૭ લોકોના જવાબ લેવાયા હતા.

ભારતમાં કોરોનાના કારણે ૨૯ મોતની સાથે સાથે સંક્રમિત વ્યકિતઓની સંખ્યા એક હજાર ઉપર થઇ ગઇ છે. વિશ્વમાં સાત લાખ લોકો સંક્રમિત થયા છે અને ૩૩ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સર્વેની પ્રતિક્રિયાઓ એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસ પર અંકુશ મુકવા વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે.

વાયરસ ઝપટમાં તમે આવી શકો છો એવા પ્રશ્નના જવાબમાં ૪૮.૩ ટકા લોકોએ હા પાડી હતી. ગયા અઠવાડીયાની તુલનામાં આ અઠવાડીયે આવું કહેનારા લોકો ૯.૨ ટકા વધ્યા હતા. જ્યારે ચેપ નહીં લાગે તેવું કહેનારાઓની સંખ્યા ૫૯.૫ ટકાથી ઘટીને ૪૬.૫ ટકા થઇ હતી.

જો કે મોટા ગભરાટ પછી પણ સરકાર પર લોકોનો વિશ્વાસ પુરેપુરો છે અને તેમાં વધારો થયો છે. ૭૪.૧ ટકા લોકોને લાગે છે કે મોદી સરકાર કોરોના વાયરસ સામે સારી રીતે લડી રહી છે. ગયા અઠવાડીયે ૭૦ ટકા લોકો આ વાત સાથે સહમત હતા. આવતા મહિને સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નના જવાબમાં પહેલા સર્વેમાં ૬૧.૨ ટકા લોકોએ કહ્યું હતું કે આપણે અત્યંત ખરાબ સ્થિતિમાં છીએ. જ્યારે બીજા સર્વેમાં આવું કહેનારા લોકોની સંખ્યા ઘટીને ૫૭.૫ ટકા થઇ હતી. તમે સ્વચ્છતા અંગે સતર્ક થયા છો તેવા પ્રશ્નના જવાબમાં ૮૭.૨ ટકા લોકોએ હા માં જવાબ આપ્યો હતો. જ્યારે ૧૨.૮ ટકા લોકો અસહમત હતા.

(11:37 am IST)