Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોનનો હપ્તા ભરી દેવામાં જ ભલાઇ

બેંકોએ ભલે ૩ હપ્તા ન ભરવાની સુવિધા આપી પણ : જો હપ્તા નહિં ભરો તો વ્યાજનો બમણો માર સહન કરવો પડશે

નવી દિલ્હી તા. ૧: કોરોના સંકટના કારણે રિઝર્વ બેંકે બધા પ્રકારની લોન પર ઇએમઆઇમાં ત્રણ મહિનાની છૂટ આપવાની જાહેરાત કરી છે. જો તમે પણ તેનો લાભ ઉઠાવીને ઇએમઆઇ રાખવાની યોજના બનાવી રહ્યા હો તો પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેજો. બેંકીંગ નિષ્ણાતોનું કહેવું છે કે બેંક ક્રેડીટ કાર્ડની બાકી રકમ અને પર્સનલ લોન પર બેંકો વધારે વ્યાજ લેતી હોય છે. એટલે તેના ઇએમઆઇ રોકવા ખોટનો સોદો થશે.

રિઝર્વ બેંકના નિર્ણયનો અર્થ એ છે કે તમે જે ઇએમઆઇ નથી ભરતા, તે માફ નથી કરવામાં આવ્યું. દરેક બેંક આ બાબતે પોતાની અલગ પોલિસી નકકી કરવા માટે સ્વતંત્ર છે. કેટલીય બેંકોમાં આ સુવિધા બધા ગ્રાહકો માટે આપોઆપ લાગુ થશે. તેમના જે ગ્રાહકોને આનો લાભ ન લેવો હોય તેમણે જાભણ કરવી પડશે. કેટલીક બેંકોમાં આ સુવિધા મેળવવા માટે આપને વિકલ્પ અપાશે. પણ ગ્રાહકોએ સંમતિ આપતા પહેલા વેબસાઇટ અને હેલ્પલાઇન દ્વારા બધા નિયમો અને શરતો જાણી લેવી જોઇએ.

જે ત્રણ મહિના દરમ્યાન ઇએમઆઇ નહીં ભરાય, તેને પછીથી વસુલવામાં આવશે. મોટાભાગની બેંકોમાં તે દરમ્યાનના બાકી વ્યાજને મુળ રકમમાં ઉમેરવામાં આવશે. એટલે આગળ જતા વ્યાજની રકમ પહેલા કરતા વધી જશે જેને ચુકવવા માટે લોનની મુદત વધી જશે. એક અનુમાન અનુસાર, જો તમે ૧૦૦૦ રૂપિયાનો ઇએમઆઇ ટાળો તો ૧૦ ટકા વ્યાજ દર પર બેંક લાંબી મુદતમાં આના માટે રપ રૂપિયા સુધી વસુલી શકે છે.

ક્રેડીટ કાર્ડ પેમેન્ટ સ્ટાર્ટઅપ કેડનું કહેવું છે કે તમે ક્રેડીટ કાર્ડની જે પણ બાકી રકમ હોય તે નિયત તારીખ પહેલા ચુકવતા રહો જેથી વ્યાજ ન લાગે. આ વ્યાજ વાર્ષિક ૩૬થી ૪ર ટકા જેટલું હોય છે અને તે પણ કંપાઉન્ડીંગ એટલે કે વ્યાજ પર વ્યાજ લાગે છે.

(11:37 am IST)