Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પાકિસ્તાન, મલેશિયા પછી ભારતમાં પણ કોરોનાના ફેલાવા માટે મોટુ માધ્યમ બન્યું તબલીગી જમાત

કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ધાર્મિક બેઠકોએ કોરોના ફેલાવાનો ભય વધાર્યો

નવી દિલ્હી,તા.૧:આશરે ૯૩ વર્ષ પહેલા ઇસ્લામના પ્રચાર માટે ભારતના દેવબંદમાં બનાવવામાં આવેલ તબલીગી જમાત એશિયા ખંડમાં કોરોના વાયરસના ફેલાવા માટે મોટુ માધ્યમ બની ગયુ છે. વિશ્વમાં આશરે ૧૫ કરોડ સભ્યો વાળા તબલીગી જમાતના ઇજિતમાથી ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં હોબાળો મચી ગયો છે. સ્થિતિ એવી પેદા થઇ ચૂકી છે કે આ જમાતની ભૂલની સજા મલેશિયા, પાકિસ્તાન સહિત એશિયાના કેટલાક દેશો ભોગવી રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે ૧૨ માર્ચે પાકિસ્તાનના લાહોરમાં દુનિયાના ૮૦ દેશોના અઢી લાખ તબલીગી જમાતના સભ્યો કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ કોર્યક્રમના સ્થળે એટલા મોટા પ્રમાણમાં ભીડ હતી કે સુવિધાઓ ઓછી પડી હતી. આ બેઠકમાં ૧૦ હજાર મૌલવીઓએ ભાગ લીધો હતો. કોરોના સંકટને જોતા પાકિસ્તાની સરકારે આ કાર્યક્રમ રદ કરવાની અપીલ કરી હતી પરંતુ તબલીગી જમાતના ધર્મગુરુઓએ તેની અવગણના કરી હતી. પરિણામ સ્વરુપે પાકિસ્તાનમાં કોરોનાના ફેલાવા માટે આ કાર્યક્રમ મોટુ માધ્યમ બન્યો, કારણ કે બેઠકમાં આવેલા અસંખ્ય સભ્યોમાં કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેઓ કેટલા વ્યકિતઓના સંપર્કમાં આવ્યા તે અંગે પાકિસ્તાન સરકાર વિચારે એ પહેલા જ કોરોના વાયરસ પાકિસ્તાને ઝપેટામાં લઇ ચૂકયુ હતું. જે પછી સ્થાનીક પ્રશાસને તબલીગી પ્રચારકોને કસ્ટડીમાં લઇને કવારન્ટાઇન કરવાની ફરજ પડી હતી.

આ બેઠકમાં ભાગ લેવા બે સભ્યો ફલસ્તીનથી લાહોર આવ્યા હતા, બેઠક પછી ઘરે પાછા ફરતા સમયે બંને સભ્યો કોરોના પોઝિટીવ હતા. આથી તેમની સાથે કોરોના ફલસ્તીન પણ પહોંચ્યો. કિર્ગિસ્તાન સાથે પણ આવુ જ બન્યુ. મીડિયા રિપોર્ટ મુજબ મલેશિયામાં પણ આ પ્રકારની બેઠક યોજાઇ હતી. જેમાં ભાગ લેનારા ૬૨૦ લોકોમાં કોરોના પોઝિટીવ હતો. કોરોના પોઝિટીવ વાળા લોકો દક્ષિણ પૂર્વ એશિયાના ૧૫ દેશોના નાગરિકો હતા.

તાજેતરના રિપોર્ટ મુજબ નિઝામુદ્દીનની મરકઝ બિલ્ડીંગમાં હાજર લોકોમાંથી અત્યાર સુધી ૨૪ લોકોમાં કોરોના પોઝિટીવ આવ્યો છે. ભયની વાત એ છે કે આ ખતરો માત્ર દિલ્હી પૂરતો સિમીત નછી, તેલંગાણા, તમિલનાડૂથી લઇને ઉત્ત્।રાખંડ સુધી કોરોના ફેલાવાનો ડર પ્રસરી ગયો છે. કારણ કે આ તમામ લોકો દેશના ખૂણે-ખૂણેથી અહીં આવ્યા હતા.

જેના કારણે સમગ્ર દેશમાં કોરોના ફેલાવાનો ખતરો વધી ગયો છે. કેટલાક લોકો સઉદી અરબ, મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પણ આવ્યા હતા. આ દેશોમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. માહિતી મુજબ કોરોના મહામારી વચ્ચે થયેલી આ બેઠકમાં આશરે ૨૫૦ વિદેશી મહેમાન હતા.

(11:36 am IST)