Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

બોલો, ભાઇએ કોવિડ-૧૯ હેલ્પલાઇન પર ફોન કરીને સમોસા મગાવ્યા, સમોસા સાથે સજા પણ મળી

લખનૌ તા. ૧ : ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યકિતએ કોવિડ-૧૯ હેલ્પલાઇન પર ફોન કરીને ચાર સમોસાંનો ઓર્ડર આપ્યો. કટોકટીના સમય માટેની હેલ્પલાઇન પર આવી વાહિયાત માગણી કરીને સમય બરબાદ કરવાની ચેષ્ટા કરવા છતાં અધિકારીઓએ મગજ શાંત રાખ્યું. આ વ્યકિતએ સમોસાંની માગણી ચાલુ રાખતાં કોવિડ-૧૯ હેલ્પલાઇને તેને સમોસાં તો મોકલ્યાં, પણ એ પછી સાથે સાથે ઇમર્જન્સી હેલ્પલાઇનનો વિચાર્યા વિના ઉપયોગ કરવા બદલ વિશેષ ભેટરૂપે સજા પણ કરી.

ચમપુરના ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ અંજનેય કુમારે તેમના સત્તાવાર ટિવટર-હેન્ડલ પર આ ઘટના પોસ્ટ કરી છે તેમ જ લોકોને આ પ્રકારે હેલ્પલાઇનનો દુરુપયોગ ન કરવાની વિનંતી કરી હતી જે વાઇરલ થઈ રહી છે. પહેલી ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે 'ચાર સમોસાં મોકલો એવું કહેતો ફોન આવ્યો હતો. ચેતવણી આપ્યા પછી આખરે મોકલવાં પડ્યાં. જોકે અનાવશ્યક કામ માટે હેલ્પલાઇનનો દુરૂપયોગ કરવા બદલ આ ભાઈ પાસે નાલીની સફાઈ કરાવવામાં આવી હતી.'

આ સાથે નાલી સાફ કરતો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. ર૯ માર્ચે કરાયેલી આ પોસ્ટ પછી આ ટ્વીટને ૧૮,૭૦૦ લાઇકસ મળી છે તથા એને ૫૪૦૦ વખત રીટ્વીટ કરાઈ છે. લોકોએ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

એક ટિવટર-યુઝરે 'જેવા સાથે તેવા' કહીને આ શિક્ષાને સપોર્ટ કર્યો હતો, જયારે અન્ય ટિવટર-યુઝરે રસ્તા પર અકારણ ફરવા માટે બહાર નીકળનારાઓ માટે પણ આવી જ કોઈક સજા કરવાનું સૂચન કર્યું હતું.

(10:44 am IST)