Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કોરોના વેકસીન આપનારી સિસ્ટર નિવેદાને PM મોદીએ કહ્યુ, 'રસી આપી પણ દીધી, ખબર જ ન પડી'

સિસ્ટર નિવેદાએ કહ્યું: વડાપ્રધાનને કોવેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો, બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે

નવી દિલ્હી, તા.૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે કોવિડ-૧૯ વેકસીનનો પહેલો ડોઝ લીધો અને તમામ લોકોને વેકસીન લેવાની અપીલ કરી, જે બીજા ચરણના વેકસીનેશન અભિયાન હેઠળ પાત્રતા ધરાવે છે. વડાપ્રધાન મોદીને પુડ્ડુચેરીની નિવાસી સિસ્ટર પી. નિવેદાએ ભારત બાયોટેકની કોવેકસીન રસી આપી. ત્યારબાદ PM મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, 'રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.'

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વેકસીન આપ્યા બાદ સિસ્ટર નિવેદાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવેકસીન રસી આપવામાં આવી છે. તેમને બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. તેઓએ મને પૂછ્યું કે હું કયાંની રહેવાસી છું અને વેકસીનેશન બાદ તેઓએ કહ્યું કે- રસી આપી પણ દીધી, ખબર જ ન પડી.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વેકસીન લીધા બાદ જાણકારી આપતા ટ્વીટ કરીને જણાવ્યું કે, મેં એઇમ્સમાં કોવિડ-૧૯ વેકસીનનો પહેલો ડોઝ લીધો.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉલ્લેખનીય છે કે આપણા ડોકટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ઘ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેકસીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-૧૯ મુકત કરવામાં યોગદાન આપીએ.

વડાપ્રધાન મોદીએ ટ્વીટની સાથે જ વેકસીન લેતી વખતની પોતાની એક તસવીર પણ શેર કરી, જેમાં તેઓ આસામનો ગમછો પહેરેલા જોવા મળ્યા અને સ્મિત સાથે રસી લઈ રહ્યા છે. તસવીરમાં તેમની સાથે સિસ્ટર નિવેદા ઉપરાંત કેરળની નિવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જોવા મળી રહી છે.

(4:35 pm IST)