Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ડ્રાઇવર પિતાને છ વર્ષની દીકરીની સારવાર માટે જોઇએ છે ૨૨ કરોડ રૂપિયાનું ઇન્જેકશન

દિલ્હીની એઇમ્સ ખાતે થયેલી તપાસમાં માલુમ પડ્યુ છે કે છ વર્ષની માસૂમ સ્પાઇનલ મસ્કયુલર એન્ટ્રોફી જેવી ગંભીર બીમારીથી પીડીત છે

ગોરખપુર,તા. ૧: ઉત્ત્।ર પ્રદેશના ગોરખપુર જિલ્લાના શાહપુર આવાસ વિકાસ કોલોનીમાં રહેતા ૬ વર્ષની ગરિમા ઉર્ફે પરી સ્પાઇનલની એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. તેણી ફરીથી પોતાના પગ પર ઊભી થાય તે માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર છે. તેણીની સારવાર માટે જે ઇન્જેકશન આપવું પડે તેમ છે તેની કિંમત ૨૨ કરોડ રૂપિયા છે. પરીના પિતા મુકિતનાથ ગુપ્તા ગોરખપુરમાં એક ખાનગી હોસ્પિટલની ગાડી ચલાવે છે.

પિતાનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૧માં તેના લગ્ન કુશીનગરની મમતા ગુપ્તા સાથે થયા હતા. લગ્ન થતા જ ઘરમાં અઢળક ખુશી આવી હતી. લગ્ન બાદ બે બાળકો જન્મ્યા હતા. તેમનો નવ વર્ષનો દીકરો અનિકેત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. મુકિતનાથ અને મમતાને એક છ વર્ષની દીકરી છે, જેનું નામ ગરિમા ઉર્ફે પરી છે.

પિતા મુકિતનાથ ગુપ્તાનું કહેવું છે કે બાળકીના જન્મ બાદ તેની સ્થિતિ જોઈને તેણીને ડોકટર પાસે લઈ ગયા હતા. ડોકટરોએ કેલ્શિયલ અને વિટામિન્સની ગોળીઓ આપી દીધી હતી અને કહ્યુ હતુ કે બધુ બરાબર થઈ જશે. જયારે કોઈ સુધાન ન થયો ત્યારે અમે ગોરખપુર મેડિકલ કોલેજમાં બતાવવા ગયા હતા. ત્યાં તપાસ બાદ કોઈ ફરક પડ્યો ન હતો. જે બાદમાં દીકરી સંપૂર્ણ રીતે અમારા પર નિર્ભર થઈ ગઈ હતી. દીકરી ચાલી કે ઊભી થઈ શકતી ન હતી. થાકીને જયારે પરીને દિલ્હી એઇમ્સ ખાતે લાવ્યા ત્યારે માલુમ પડ્યું કે પરીને સ્પાઇન્લ મસ્કયુલર એન્ટ્રોફી જેવી ગંભીર બીમારી છે. જેની સારવાર ખૂબ મોંઘી છે.

બાળકીની માતા મમતા ગુપ્તાનું કહેવું છે કે, તેને હંમેશા દીકરીની ચિંતા રહે છે. સ્કૂલે જાય છે ત્યારે હંમેશા મનમાં સવાલ ઊઠતા રહે છે કે તેણી ઠીક તો હશે ને? કારણ કે સામાન્ય ધક્કો લાગે તો પણ તેણી નીચે પડી જાય છે. પછી તે પોતાની રીતે ઊભી નથી થઈ શકતી. જોકે, સ્કૂલ દીકરીની ખૂબ કાળજી રાખે છે. પરિવારે પીએમ મોદી અને ઉત્ત્।ર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મદદ માટે અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે તેમની નાણાકીય સ્થિતિ એવી નથી કે બાળકીની સારવાર કરાવી શકે.

પ્રોગ્રેસિવ સ્પાઇનલ મસ્કયુલર એન્ટ્રોફી એક ગંભીર બીમારી છે. જેનાથી માંસપેશીઓ નબળી પડે છે, તેમાં કોઈ તાકાત નથી રહેતી. કમરની નીચેનો ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારીથી વારેવારે ન્યૂમોનિયા થઈ જાય છે. જીન્સમાં જ આ બીમારી હોય છે, જે જ્ઞાનતંતુ ચક્રને સુચારુ રીતે કામ કરવા માટે જરૂરી પ્રોટિનનું નિર્માણ કામ બાધિત કરે છે. જેનાથી જ્ઞાનતંતુ ચક્ર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે અને માંસપેશીઓને નબળી કરી દે છે. આ કેસમાં દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

(10:27 am IST)