Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના ૯૬% લોકોની આવક ઘટી : સર્વે

લોકડાઉન હટાવ્યાના ૫ મહિના સુધી તેઓની સ્થિતી આવી રહી હતી : આવકમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ નોકરી ગુમાવવી અને કામ મળવાનું બંધ થઈ જવું : ભોજન ખરીદવા માટે પૈસા નહીં હોવાના કારણે ભૂખ્યા રહેવા માટે મજબૂર થવું પડ્યું : ૨૦૨૦ના એપ્રિલ અને મે મહિનામાં ૪૩% લોકો પાસે કોઈ આવક નહોતી

મુંબઈ,તા. ૧:  કોરોના વાયરસ સંક્રમણના કારણે ગત વર્ષ ૨૦૨૦માં લાગુ લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં લગભગ ૯૬% લોકોની આવકમાં ઘટાડો થયો હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર રાજયમાં 'અન્ન અધિકાર અભિયાન' હેઠળ હાથ ધરાયેલા સર્વેમાં આ જાણકારી સામે આવી છે. જેમાં આવકમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ નોકરી ગુમાવવી અને કામ મળવાનું બંધ થઈ જવું હતું.

આ સર્વેમાં સામેલ દર પાંચમાં વ્યકિતએ જણાવ્યું કે ભોજન ખરીદવા માટે પૈસા નહીં હોવાના કારણે ભૂખ્યા રહેવા માટે મજબૂર થવું પડ્યું હતું. આ અભિયાન હેઠળ ખાઘ અને પોષણક્ષેત્રના કાર્યકર્તાઓના એક સમૂહે ગત વર્ષે મે અને સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, રાયગઢ, પૂના, નંદુરબાર, સોલાપુર, પાલઘર, નાસિક, ધુલે અને જલગાંવમાં કુલ ૨૫૦ લોકોનો સર્વે કર્યો હતો.

અહીં નોંધનીય છે કે કેન્દ્રએ દેશમાં કોરોનાની મહામારીના કારણે ગત વર્ષ ૨૦૨૦માં માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારબાદ ધીરે-ધીરે આ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે લોકડાઉનમાં ૯૬% લોકોની આવકમાં ઘટાડો થયો અને લોકડાઉન હટાવ્યાના ૫ મહિના સુધી તેઓની સ્થિતિ આવી રહી હતી. આ સર્વેમાં સામેલ ૫૨% લોકો ગ્રામીણ વિસ્તારોના રહેવાસી હતા જયારે બાકીના લોકો શહેરી હતી. જે પૈકી ૬૦% મહિલા છે.

આ સર્વેમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તે પૈકી ૪૯% લોકોને ભોજન ખરીદવા માટે તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉધાર લેવા પડ્યા હતા. જયારે આ લોકોને લોકડાઉન પછીની આવક વિશે પૂછવામાં આવ્યું ત્યારે સર્વેમાં જાણવા મળ્યું કે એપ્રિલ અને મે મહિનામાં ૪૩્રુ લોકો પાસે કોઈ આવક નહોતી. માત્ર ૧૦% લોકો એવા હતા કે જેમની આવક લોકડાઉન પહેલાના સ્તર સુધી પહોંચી.

સર્વેમાં જણાવ્યા મુજબ, જે લોકોની એપ્રિલ અને મે મહિનામાં આવક નહોતી તેમાંથી ૩૪% લોકોની સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવી જ સ્થિતિ રહી. સર્વે મુજબ, ભોજન ખરીદવા માટે ૧૨% લોકોએ ઘરેણાં અને ૩% લોકોએ પોતાની જમીન વેચી.

(10:27 am IST)