Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

૩૪ માસ બાદ હિમાચલ પ્રદેશ કોરોના મુક્ત થયું

રાજ્યમાં કોરોનાનો એકપણ એક્ટિવ દર્દી નથી : છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૬૫ સેમ્પલ તપાસ માટે પહોંચ્યા હતા પરંતુ તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા

શિમલા, તા.૧ : હિમાચલ પ્રદેશ કોરોના મુક્ત થઈ ગયુ છે, હિમાચલ પ્રદેશમાં હવે એક પણ કોરોના એક્ટિવ દર્દી નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૬૫ સેમ્પલ તપાસ માટે પહોંચ્યા હતા પરંતુ તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. મંગળવાર સુધી બે ૨ એક્ટિવ કેસ હતા પરંતુ હવે તેઓ પણ સાજા થઈ ગયા છે. દરમિયાન હવે પ્રદેશના તમામ ૧૨ જિલ્લા કોરોનાથી મુક્ત થઈ ગયા છે.

જાણકારી અનુસાર ૩૪ મહિના બાદ હિમાચલ પ્રદેશ કોરોના મુક્ત થયુ છે. બીજી લહેર દરમિયાન હિમાચલમાં લગભગ ૨ એક્ટિવ કેસ રહી ગયા હતા પરંતુ ત્યાંથી ફરીથી કોરોનાએ પોતાનો કહેર બતાવવાનું શરૃ કરી દીધુ અને એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ પણ રિપોર્ટ થયા હતા પરંતુ બાદમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. હિમાચલ પ્રદેશમાં ઓક્સિજનની અછત થઈ નહોતી.

હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી ૩,૧૨,૭૦૪ કેસ નોંધાયા છે. કાંગડા જિલ્લામાં સૌથી વધુ ૭૦,૭૦૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ત્યાં કોરોનાએ ૧,૨૬૬ લોકોના જીવ ગુમાવ્યા છે. આ સિવાય મંડી જિલ્લામાં ૪૩,૦૬૫ સંક્રમિતમાંથી ૫૧૫ દર્દીઓના મોત નીપજ્યા છે. શિમલા જિલ્લામાં ૩૯,૯૯૧ કેસ અને ૭૨૮ના મોત, બિલાસપુરમાં ૨૦,૦૦૯ સંક્રમિત અને ૯૭ લોકોના મોત નીપજ્યા છે. ચંબા જિલ્લામાં ૧૮,૧૮૭ સંક્રમિત અને ૧૭૯ મૃત્યુ નોંધાયા છે. આ સિવાય હમીરપુરમાં ૨૫,૬૯૨ અને ૩૩૩ મોત, કિન્નોરમાં ૫,૧૧૯ સંક્રમિત અને ૪૧ મોત, કુલ્લૂમાં ૧૩,૩૫૧ સંક્રમિત અને ૧૬૪ મોત નીપજ્યા છે. સૌથી ઓછા લાહોલ સ્પીતિમાં ૩૫૦૮ કેસ અને ૧૮ મોત કોરોનાના કારણે થયા છે. તાજેતરમાં જ ચીનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જે બાદ ભારતમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ હતી. હિમાચલ પ્રદેશમાં પણ ઘણા હોસ્પિટલોમાં કોરોનાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. કેટલીય હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટ અનિવાર્ય કરવામાં આવ્યો હતો. શિમલામાં ડીડીયૂ હોસ્પિટલને ફરીથી કોરોના માટે તૈયાર કરવામાં આવ્યુ હતુ પરંતુ હિમાચલ પ્રદેશમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થઈ ચૂક્યુ છે અને આ કારણે લોકોને કોરોનાનું જોખમ ઓછુ છે.

(7:10 pm IST)