Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પીએમ આવાસ યોજનાનું બજેટ ૬૬% વધારવામાં આવ્‍યું

ગરીબો પર ‘મહેરબાન' મોદી સરકાર

નવી દિલ્‍હી, તા.૧: કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, પીએમ આવાસ યોજના માટેનો ખર્ચ ૬૬% વધારીને ૭૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે કરવામાં આવ્‍યો છે. નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું બજેટ રજૂ કર્યું છે. તેમણે આ બજેટના ભાષણની શરુઆતમાં કહ્યું કે, ભારતીય અર્થવ્‍યવસ્‍થા સાચા રસ્‍તે આગળ જઈ રહી છે, અને ઉજ્‍વળ ભવિષ્‍ય તરફ આગળ વધે છે.

મોદી સરકારે ગરીબોને ખુશ કરનારી જાહેરાત કરી દીધી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આવાસ યોજનાના બજેટમાં ૬૬ ટકાનો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના હેઠળ ૨ લાખ કરોડ રૂપિયા કેન્‍દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યા છે. અંત્‍યોદય યોજના હેઠળ ગરીબોને મફત ખાદ્યાન્નની આપૂર્તિને ૧ વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે, અમારો આર્થિક એજન્‍ડા નાગરિકો માટે અવસરોને સુવિધાજનક બનાવવા માટે, વિકાસ અને રોજગારના સર્જનમાં તેજી આપવા માટે અને વ્‍યાપક આર્થિક સ્‍થિરતાને મજબૂત કરવા પર કેન્‍દ્રીત છે.

નિર્મલા સીતારમણે બજેટની સ્‍પીચ દરમિયાન જણાવ્‍યું કે, મહામારી દરમિયાન અમે એ સુનિશ્‍ચિત કર્યું કે ૨૮ મહિના માટે ૮૦ કરોડ કરતા વધારે વ્‍યક્‍તિઓને મફત ખાદ્યાન્નની આપૂર્તિ કરનારી યોજના સાથે કોઈ ભૂખ્‍યું ના રહે તે બાબત વિશે વિચાર્યું. નાણામંત્રીએ જણાવ્‍યું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતમાં G20નું દેશમાં આયોજન કરવામાં આવ્‍યું છે. જેના લીધે વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થામાં આપણા દેશની ભૂમિકાની મજબૂત છબી પ્રગટ થઈ રહી છે.

(2:09 pm IST)