Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બજેટ ૨૦૨૩ પહેલા સરકારની બમ્‍પર કમાણીઃ તિજોરીમાં આવ્‍યા ૧.૫૫ લાખ કરોડઃ બીજુ સૌથી વધુ જીએસટી કલેક્‍શન

૩૧મી જાન્‍યુઆરી ૨૦૨૩ સુધી GSTની કુલ આવક રૂ. ૧,૫૫,૯૨૨ કરોડ છે

નવી દિલ્‍હી, તા.૧: ૨૦૨૩નું બજેટ રજૂ કરતા પહેલા સરકારને આવકના મોરચે મોટી સફળતા મળી છે. નાણા મંત્રાલયે ૩૧ જાન્‍યુઆરીએ જણાવ્‍યું હતું કે ભારતે જાન્‍યુઆરીમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી કલેક્‍શન) તરીકે રૂ. ૧.૫૬ લાખ કરોડ એકત્ર કર્યા છે.

નાણા મંત્રાલયે મંગળવારે જણાવ્‍યું હતું કે જાન્‍યુઆરીમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી) કલેક્‍શન વધીને રૂ. ૧.૫૫ લાખ કરોડથી વધુ થઈ ગયું છે, જે અત્‍યાર સુધીની બીજી સૌથી વધુ છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ૩૧મી જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ સાંજે ૫ વાગ્‍યા સુધી GSTની કુલ આવક ૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયા છે. આમાં CGST રૂ. ૨૮,૯૬૩ કરોડ, SGST રૂ.૩૬,૭૩૦ કરોડ, IGST રૂ. ૭૯,૫૯૯ કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. ૩૭,૧૧૮ કરોડ સહિત) અને રૂ. ૧૦,૬૩૦ કરોડનો સેસ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. ૭૬૮ કરોડ સહિત)નો સમાવેશ થાય છે.

ચાલુ નાણાકીય વર્ષમાં જાન્‍યુઆરી ૨૦૨૩ સુધીની આવક ગયા વર્ષના સમાન સમયગાળાની GST આવક કરતાં ૨૪ ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજી વખત છે જ્‍યારે GST કલેક્‍શન રૂ. ૧.૫૦ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. એપ્રિલ ૨૦૨૨માં નોંધાયેલી રૂ. ૧.૬૮ લાખ કરોડની કુલ આવક પછી જાન્‍યુઆરી ૨૦૨૩માં જીએસટી કલેક્‍શન બીજા ક્રમે છે.

ઓક્‍ટોબર-ડિસેમ્‍બર ૨૦૨૨ ક્‍વાર્ટરમાં મહિનાના અંત સુધીમાં કુલ ૨.૪૨ કરોડ GST રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા હતા, જે ગયા વર્ષના સમાન ક્‍વાર્ટરમાં ૨.૧૯ કરોડ હતા. મંત્રાલયે જણાવ્‍યું હતું કે પાલન સુધારવા માટે વર્ષ દરમિયાન રજૂ કરવામાં આવેલા વિવિધ નીતિગત ફેરફારોને કારણે આવું થયું છે.

(10:24 am IST)