Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

લગ્નનો ઈન્‍કાર કરવાનો દરેક કેસ બળાત્‍કારનો નથી

દસ વર્ષની સજા ભોગવી રહેલા વ્‍યક્‍તિને સર્વોચ્‍ચ અદાલતે નિર્દોષ છોડી મૂક્‍યો

નવી દિલ્‍હી,તા.૧: સર્વોચ્‍ચ અદાલતે બળાત્‍કારના કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલા વ્‍યક્‍તિને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે લગ્નનું વચન આપી ઇન્‍કાર નો દરેક કેસ બળાત્‍કાર ન હોઈ શકે. સર્વોચ્‍ચ અદાલતે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના સજાના આદેશોને બાજુ પર રાખ્‍યા હતા, પરંતુ પીડિતને વળતર આપવાના નિર્ણયને યથાવત રાખ્‍યો હતો.

જસ્‍ટિસ અજય રસ્‍તોગી અને જસ્‍ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્‍યું હતું કે, ‘એ શક્‍યતાને નકારી શકાય નહીં કે આરોપીએ તમામ ગંભીરતામાં છોકરી સાથે લગ્ન કરવાનું વચન આપ્‍યું હતું.' જો કે, પાછળથી તેની સામે કેટલાક એવા અણધાર્યા સંજોગો ઊભા થઈ શકે છે, જેના પર તે કાબૂ રાખી શક્‍યો નહીં અને તેણે તેની મરજી વિરુદ્ધ પણ લગ્નના વચનમાંથી ખસી જવું પડ્‍યું. આવી સ્‍થિતિમાં, તેના વચનને ખોટા માનતા, તેને કલમ ૩૭૬ હેઠળ બળાત્‍કારનો દોષી ઠેરવી શકાય નહીં.

આ કેસમાં રેકોર્ડ પર લાવવામાં આવ્‍યું છે કે ફરિયાદી ત્રણ બાળકો સાથે પરિણીત મહિલા હતી, એમ બેન્‍ચે જણાવ્‍યું હતું. આરોપી તેના ઘરની સામે ભાડે રહેતો હતો. બંને વચ્‍ચે નિકટતા વધી અને આ સંબંધમાંથી ૨૦૧૧માં એક બાળકનો જન્‍મ પણ થયો.

જયારે ફરિયાદી ૨૦૧૨ માં આરોપીના ગામ ગઈ ત્‍યારે તેણીને ખબર પડી કે તે પરિણીત છે અને તેને બાળકો છે. આ પછી પણ તે આરોપી સાથે અલગ-અલગ જગ્‍યાએ રહેતી હતી. તેણે ૨૦૧૪ માં પરસ્‍પર સંમતિથી તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને ત્રણ બાળકોને તેના પતિ સાથે છોડી દીધા હતા.

ખંડપીઠે કહ્યું, બાદમાં થોડો વિવાદ થયો હતો, ફરિયાદીએ ૨૧ માર્ચ, ૨૦૧૫ના રોજ બળાત્‍કારનો કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવ્‍યો હતો કે તેણે લગ્નના વચન પછી આરોપી સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા હતા, પરંતુ બાદમાં આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

(9:50 am IST)